પાટણઃપાટણમાં નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળતા દોડધામ મચી હતી. ચાણસ્માના વસઈ ગામમાં રહેતો અને વકીલાતનો અભ્યાસ કરતો આશાસ્પદ યુવાન 2 દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારે આજે મોયણી નદીના પટમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. સાથે જ આ યુવાનના મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ મળી આવતા મોતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. તેમ જ હત્યા કે આત્મહત્યાને લઈ તર્ક વિતર્કો વહેતા થયા છે.
આ પણ વાંચોSurat Crime: ઈઝરાયલથી ભાઈના લગ્નમાં આવેલી મહિલાની આત્મહત્યા, પરિવારે સાસરિયાં પર લગાવ્યો આરોપ
આત્મહત્યા કે હત્યાને લઈ ઘુટાતું રહસ્યઃચાણસ્મા તાલુકાના વસઈ ગામમાં રહેતા અને સિદ્ધપુરની ગોકૂલ યુનિવર્સિટીમાં એલએલબીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા બે દિવસ અગાઉ ગુમ થયેલ યુવાનનો મૃતદેહ ગતરાત્રે કાકોશી નજીક મોયણી નદી પાસેથી મળી આવ્યો હતો. મૃતકે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. મૃતકની પાસેથી ઝેરી દવાની બોટલ, બાઈક અને બ્લેડ મળી આવી હતી. મૃતકના ડાબા હાથે ધારદાર બ્લેડના ઘા માર્યાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસે મૃતકના મૃતદેહને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
ઝેરી દવાની બોટલ અને બ્લેડ મળી આવીઃવસઈ ગામમાં રહેતો 25 વર્ષીય વાઘેલા સિદ્ધરાજસિંહ ગોપાલસિંહ એલએલબીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે 12 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે ઘરેથી બાઈક લઈને નીકળ્યો હતો. ત્યારબાદથી તે ગુમ હતો. પરિવારજનોએ તપાસ કરી તેમ છતાં તે ન મળતાં ચાણસ્મા પોલીસ સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગતરાત્રે કાકોશી નજીક મોયણી નદી પાસેથી સિદ્ધરાજસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ પોલીસ અને પરિવારજનોને થતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃVeraval Doctor Suicide : ડો.ચગની આત્મહત્યા કેસ મામલે પરિવારના નિવેદનો લેવાની થશે શરૂઆત
પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું પોલીસનું અનુમાનઃકાકોશી પી.એસ.એસ. સી. બી. સોલંકીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતક યુવાન 2 દિવસથી ગુમ હતો. પ્રાથમિક તપાસમાં યુવાને પ્રેમ પ્રકરણમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના ડાબા હાથે ધારદાર બ્લેડના ઘાના નિશાન પણ જોવા મળ્યા છે. હાલ અપમૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે સ્થાનિકોમાં આત્મહત્યા કે હત્યાને લઇ રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જોકે, સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.