પાટણ: પાટણ શહેરમાં કોરોના બેકાબૂ બનતા પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. કેટલાક વેપારીઓ પણ કોરોનાગ્રસ્ત બન્યા છે. જેને પગલે શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે.
પાટણમાં 7 જુલાઇથી એક સપ્તાહ સુધી બપોર બાદ બજારો બંધ રહેશે - Markets of patan to remain closed
પાટણ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષ સ્થાને વેપારીઓની બેઠક મળી હતી. જેમાં વિવિધ બજારોના વેપારીઓએ પાટણ શહેરની બજારો 7 જુલાઇથી એક સપ્તાહ સુધી બપોરના બે વાગ્યા બાદ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
પાટણ શહેરમાં વધતા કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારી આગેવાનો અને પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે વચ્ચે એક બેઠક મળી હતી. જેમાં શહેરના વિવિધ બજારોમાં થતી ભીડ પર નિયંત્રણ, ફરજિયાત માસ્ક, સામાજિક અંતર જાળવી રાખવા પર ભાર મૂકાયો હતો. આ સમયે વિવિધ વેપારીઓએ કોરોના સંક્રમણને અટકાવવા મંગળવારે 7 જુલાઇથી એક સપ્તાહ સુધી બજારો સવારના 8 થી બપોરના બે કલાક સુધી જ ખુલ્લા રાખવા પ્રસ્તાવ રજૂ કરતા મોટાભાગના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે બપોરના બે વાગ્યા બાદ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
પાટણમાં બપોરે 2 વાગ્યા બાદ બંધના આ નિર્ણયમાં અનાજ બજાર,કરીયાણા બજાર,મીઠાઈ બજાર, ઝવેરી બજાર,કાપડ બજાર સહિતના મોટાભાગના વેપારીઓએ પોતાની સંમતિ દર્શાવી છે. જોકે મેડિકલ સ્ટોર,હોસ્પિટલો સહિત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને આ બંધમાંથી બાકાત રાખવામાં આવી છે.