પાટણ: સવંત 802માં વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ અને ચાંપા વાણીયાની મદદથી સ્થાપવામાં આવેલ ઐતિહાસિક નગર પાટણના 1274માં સ્થાપના દિવસ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 19માં સ્થાપના દિવસની ઉજવણી કાળકા મંદિર રોડ પર આવેલ શિશુ મંદિર ખાતે કરવામાં આવી હતી.
પાટણના 1274માં સ્થાપના દિવસ: વિરંજલી કાર્યક્રમમાં 150 દિકરીઓએ ભવ્ય તલવાર રાસ રજૂ કર્યો - ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા મહાવદ સાતમ અને શનિવારે પાટણ નગરના 1274માં સ્થાપના દિવસ પ્રસંગે વિરંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના વિવિધ સ્ટેટના રાજવીઓ, ધારાસભ્યો, પ્રધાનો, ઉદ્યોગપતિઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી રાજપૂત સમાજના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતું.
અખિલ ભારતીય ક્ષત્રિય ધર્મ સંસદના પ્રમુખ ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મહાન ચક્રવતી રાજા સિદ્ધરાજનું શાસન પાટણ નગરમાં હતું, ત્યારે અહીં સુવર્ણ કાળ હતો અને ભારતના 77 ટકા ભાગ પર તેમનું શાસન હતું. આ નગરમાં અનેક પ્રતાપી સમ્રાટ રાજાઓએ શાસન કરીને સમગ્ર દેશમાં એક અલગ ઓળખ ઉભી કરી હતી. ભૂતકાળમાં મહાન રાજપુરાણીઓ અને વિરાગનાઓ થઈ ગઈ છે, પરંતુ તેમના ઇતિહાસ ક્યાંક દબાઈ ગયો હતો. ત્યારે આ વર્ષથી મહાન રાજમાતા નાયકા દેવીના પાત્રને ઉજાગર કરવાની થીમ સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ તમામ દીકરીઓનું વિષેશ સન્માન કરવામાં આવ્યુ હતું સાથે જ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વ્યક્તિઓ, કાર્યક્રમના દાતાઓ, માતાપિતા સાથે યાત્રા કરનાર યાત્રાળુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.