પાટણ : પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના સુજાનપુર ગામે આવેલ તિરંગા નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થીના મોતને લઇને ચોંકાવનારી જાણકારી સામે આવી છે. વિદ્યાર્થી પ્રોફેસરોના કથિત રહસ્ય જાણતો હોઇ તેને માનસિક ત્રાસ અપાતા કંટાળેલા આશાસ્પદ વિદ્યાર્થીએ એસિડ ગટગટાવી લઈ જિંદગી ટૂંકાવી નાખ્યાનો ચકચારી બનાવો પ્રકાશમાં આવતા ભારે ખળભળાટ મચ્યો છે. જોકે નર્સિંગ કોલેજના ટ્ર્સ્ટીનો ખુલાસો આવ્યો છે તે વિદ્યાર્થી તેમની કોલેજનો છે જ નહીં.
પિતાએ ફરિયાદ નોંધાવી :પ્રોફેસરો દ્વારા અયાપેલા માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીએ જીવન ટૂંકાવવાના આ બનાવમાં મૃતક વિદ્યાર્થીના પિતાએ આ પ્રકારના આક્ષેપ સાથે સિદ્ધપુર પોલીસ મથકે કોલેજના બે પ્રોફેસરો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે 306 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ એસિડ પીધાં બાદ સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રોફેસરો દ્વારા માનસિક ત્રાસ : સિધ્ધપુરના હરિશંકર આરા વિસ્તારમાં આવેલ પટણી વાસમાં રહેતા અરુણ પ્રકાશભાઈ પટણી નામનો યુવક સુજાનપુરા ગામે આવેલ તિરંગા કોલેજ સંકુલમાં આવેલ બી આઈ પટેલ નર્સિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જે કોલેજના પ્રોફેસરોના કથિત રહસ્યો જાણતો હતો. આથી વિદ્યાર્થીને બે પ્રોફેસરો દ્વારા માનસિક ત્રાસ આપી પરીક્ષામાં નાપાસ કરવાની ધમકીઓ આપવામાં આવતી હતી અંતે તે નાપાસ થયો હતો.
શનિવારે રાત્રે એસિડ ગટગટાવ્યું હતું : માનસિક ત્રાંસથી કંટાળેલા વિદ્યાર્થી યુવકે શનિવારે રાત્રે એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતમાં તેને પ્રથમ સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થતા મૃતદેહને પીએમ અર્થે પાટણની જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સમાજના આગેવાનો દોડી આવ્યાં : પાટણના પટણી દેવીપૂજક સમાજના આગેવાનો ઘટનાની જાણકારી મળતાં દોડી આવ્યાં હતાં. સાથેે મૃતક વિદ્યાર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતાં. અરુણ પટણીએ નર્સિંગ કોલેજના પ્રોફેસરોના ત્રાસથી જ એસિડ પી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો.
19 તારીખે અરુણ ઘરે આવ્યો ત્યારે કહ્યું હતું કે નર્સિંગના બીજા વર્ષમાં બે વિષયમાં એટીકેટી હતી. તેનું હમણાં રીઝલ્ટ આવેલ છે તેમાં નપાસ થયેલો છું. બંને શિક્ષકોએ જેમ કહ્યું હતું તેમજ થયું છે. ત્યારબાદ અમે છુટા પડ્યા હતા અને રાત્રે મળ્યા હતા. રાત્રે અરુણે મને વાત કરતા કહેલ કે હું બે વિષયમાં નપાસ થયો છું તે બાબતે આ બંને શિક્ષકોએ મોબાઇલમાં હસવા જેવું સ્ટેટસ મૂકેલું છે, તેમ છતાં મેં કોઈ જવાબ આપેલ નથી. તેવી વાત કરતા મેં કહેલ કે સમય ઓછો છે કોલેજના શિક્ષકોને કાંઈ મોઢે લાગતું નથી. ત્યારબાદ રાત્રે 10:30 વાગ્યાના સુમારે મારા દીકરાનો ફોન આવ્યો. તેણે કહ્યું કે શંકરપુરા ઓપન થિયેટરવાળા મેદાન પાસે ઉભો છું. તમે ઘરના બધાને સાચવજો મને આ બંને શિક્ષકોનું માનસિક ટોર્ચર હવે સહન થતું નથી. તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. તેથી હું અન્ય લોકો સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે મારો દીકરો એસિડ પી ગયો હતો અને ઉલટીઓ કરતો હતો. તેથી અમો તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. કોલેજના પ્રોફેસરના આડા સંબંધ બાબતે અરુણ જાણતો હોવાનો વહેમ રાખી કોલેજમાં ટોર્ચર કરતો હતો અને ભણવામાં આગળ વધવા નહીં દેવાની પણ ધમકીઓ આપતા હતામ....પ્રકાશ પટણી(મૃતકના પિતા)
306 મુજબ ગુનો નોંધાયો : આ બનાવ અંગે મૃતકના પિતા પ્રકાશભાઈ પટણીએ હકીકત સાથે સિદ્ધપુર પોલીસ મથકે તિરંગા કોલેજના પ્રોફેસરે વિરુદ્ધ નામ જોગ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પ્રોફેસરો સામે ipc કલમ 306 મુજબ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
કોલેજના પ્રોફેસરો દ્વારા વિદ્યાર્થી યુવકને નાની નાની બાબતમાં હેરાન પરેશાન કરવામાં આવતો હતો. નાપાસ થતાં વિદ્યાર્થીને લાગી આવતા તેણે આત્મહત્યા કરી છે જે બાબતે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે પોલીસે બંને પ્રોફેસરો સામે ગુનો નોધી તેઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે... કે. કે. પંડ્યા ( ડીવાયએસપી, સિદ્ધપુર)
વિદ્યાર્થીનો મોબાઈલ કબજે લેવાયો : આ ગુનાની તપાસ કરનાર સિદ્ધપુર પીઆઈ એચ. વી. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે પ્રોફેસરોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે મૃતક વિદ્યાર્થીનો ફોન પણ કબજે લઈ તેની ડીટેલને આધારે તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ આ વિદ્યાર્થી કઈ કોલેજનો હતો અને તિરંગા નર્સિંગ કોલેજમાં કેવી રીતે અભ્યાસ અર્થે આવ્યો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીના અન્ય સાથી વિદ્યાર્થીઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
આ વિદ્યાર્થી મીઠાધરવા નર્સિંગ કોલેજનો છે. અમારી કોલેજનો નથી તેને મીઠાધરવા કોલેજ દૂર પડતી હોવાથી વિદ્યાર્થી સ્થાનિક કોર્પોરેટરની ભલામણ લઈને આવ્યો હતો કોર્પોરેટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીને અપડાઉન કરવામાં અગવડ પડતી હોય તેને આ કોલેજમાં અભ્યાસ અંગેનું માર્ગદર્શન આપજો. પણ વિદ્યાર્થી છેલ્લા છ મહિનાથી કોલેજમાં આવ્યો જ નથી. તો પ્રોફેસરોએ માનસિક ત્રાસ કઈ રીતે આપ્યો? આ વિદ્યાર્થીનો નાનો ભાઈ પણ આ જ કોલેજમાં અભ્યાસ કરે છે તેને કોઈ તકલીફ નથી...ડી.આઈ. પટેલ (તિંરગા નર્સિંગ કોલેજના ટ્રસ્ટી)
પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા :પાટણ જિલ્લાના શિક્ષણમાં ભારે ચકચાર મચાવનાર વિદ્યાર્થીના આત્મહત્યાના બનાવને પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને નિવેદનો લઈ પ્રોફેસરો દોષિત છે કે નહીં તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે સત્ય હકીકત તો સંપૂર્ણ તપાસ થયા બાદ જ બહાર આવશે.
- Vadodara Crime : વડોદરામાં સાસરિયા પક્ષ માનસિક ત્રાસ આપતા પરિણીતાએ નોંધાવી ફરિયાદ
- Ahmedabad Crime: માધુપુરામાં યુવકને એસિડ પીવડાવી હત્યા કરનાર પત્ની સહિતના સાસરિયાઓ ઝડપાયા
- પ્રાથમિક શાળાના શિક્ષિકાએ એસિડ પીધું, આચાર્યના ત્રાસનો આક્ષેપ