પાટણ SOG પોલીસે મુજપુર નજીકથી હથિયાર સાથે બે રીઢા ગુનેગારને ઝડપ્યા પાટણ :શંખેશ્વર તાલુકાના મુજપુર ગામ નજીકથી બાઈક લઈ પસાર થઈ રહેલા બે રીઢા ગુનેગારને પાટણ એસઓજી પોલીસે ઝડપી લીધા હતા. તેઓની તપાસ કરતા એક પિસ્તોલ અને બે તમંચા મળી આવ્યા હતા. પોલીસે હથિયારો સાથે કુલ રૂપિયા 1,15,000 મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ હથિયાર વેચનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રીઢા ગુનેગાર : પાટણ એસ.ઓ.જી. PI આર.જી. ઉનાગર, PSI વી. આર. ચૌધરી સહિતની પોલીસ ટીમ શંખેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુજપુર ગામ તરફથી એક બાઈક ઉપર બે શખ્સ હથિયારો સાથે પસાર થઈ રહ્યા છે. જેના આધારે મુજપુરથી ટુવડ જતા માર્ગ ઉપર કુવારદ ચાર રસ્તા એપ્રોજ રોડ ઉપર પોલીસે નાકાબંધી કરી હતી. આ દરમિયાન હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નંબર GJ 24 Q 4775 પર બે શખ્સ પસાર થતા તેઓને રોકી પોલીસે તપાસ કરી હતી. તેઓની પાસેથી રુ. 45,000 કિંમતની દેશી બનાવટની એક પિસ્તોલ તથા રુ. 30,000 કિંમતના દેશી બનાવટના બે તમંચા મળી આવ્યા હતા. પોલીસે હથિયાર જપ્ત કરી ભરવાડ રૂગનાથ ભાઈ ઉર્ફે ભોટીયો ગાંડાભાઈ અને ભરવાડ રાજુભાઈ ગોવિંદભાઈની ધરપકડ કરી હતી.
ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને હત્યા તેમ જ લૂંટના ગુનામાં સંડોવાયેલા આ બંને ગુનેગારોને ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત હથિયાર વેચનાર ત્રણ શખ્સોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. -- કે.કે. પંડ્યા (DySP)
હથિયાર સપ્લાયર : આ બંને આરોપીએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે, તેઓએ આ ત્રણેય હથિયાર સમીના રહેવાસી સૈયદ કૈયુમ કરીમભાઈ, ચન્દ્રોડાના રસુલમિયા અને મુજપુરના હનીફ અબ્બાસભાઈ તુવર પાસેથી ખરીદ્યા હતા. આથી આ પાંચ વિરુદ્ધ શંખેશ્વર પોલીસ મથકે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ગુનાહિત ઇતિહાસ :અત્રે ઉલ્લેખનીય છે કે, હથિયારો સાથે ઝડપાયેલા બંને શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં ભરવાડ રૂપનાથભાઈ વિરુદ્ધ શંખેશ્વર પોલીસ મથકે હત્યા તથા અમદાવાદના સરખેજ પોલીસ મથકે પણ ગુનો નોંધાયો છે. જ્યારે ભરવાડ રાજુ વિરુદ્ધ બેચરાજી પોલીસ મથકે હત્યા અને હારીજ પોલીસ મથકે લૂંટનો ગુનો નોંધાયો છે.
- Patan Crime : પાટણમાં ડ્રગ્સ સાથે બે શખ્સોને પોલીસે પકડ્યા, 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
- Patan Crime: નશામુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કરનારા 2 ફરાર આરોપી ઝડપાયા