પાટણ:જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભૂંડ પકડવાના બહાને ઘર ફોડ તથા વાહન ચોરી કરતી ગેંગને પાટણ એલસીબી પોલીસે દબોચી લીધી છે. પોલીસને ઘર ફોડ અને વાહન ચોરીની ઘટનાઓ પૈકી 7 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પકડાયેલા ત્રણ આરોપીઓ પાસેથી રૂપિયા 4.50 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ
12 ગુના સામે આવ્યા: ગુનામાં છુપાતો ફરતો ત્રીજો આરોપી ઘટીસીંગ નારસિંગ સરદાર રહે.ઇન્દિરા નગર ચાણસ્મા વાળો સિધ્ધપુર, હારીજ ,જુનાગઢ, જામનગર, વેરાવળ, માણસા, મહેસાણા અને હિંમતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 જેટલા ઘરફોડ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આરોપીઓએ મણુદ, નોરતા, કેસણી, મંડલોપ, છમીસા, વડાવલી, સંખારી જેવા ગામોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જ્યારે બાલીસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ત્રણ અલગ અલગ ગુનાઓ ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી હતી. આ આરોપીઓ રાત્રિના સમયે ફોરવીલર ગાડી લઈ આવી ભૂંડ પકડવાના બહાને ગ્રામ્ય વિસ્તારોમાં બંધ મકાનો તેમજ વાહનોની રેકી કરી બંધ મકાન અને વાહનોને ટાર્ગેટ કરી જોડીને અંજામ આપતા હતા.