પાટણ ચીફ ઓફિસરે બાયોમેડિકલ વેસ્ટ અંગે ચકાસણી કરી
પાટણઃ નગર પાલિકાના નવા વરાયેલા ચીફ ઓફિસર દ્વારા શહેરને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટેની ઝુંબેશ હાથ ધરી છે જેના ભાગ રૂપે શહેરની કેટલીક હોસ્પિટલોની આસપાસ મેડિકલ વેસ્ટ કચરો જાહેરમાં નાખવા મામલે ચીફ ઓફિસરે રૂબરૂ વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરી કેટલાક સ્થળોથી મેડિકલ વેસ્ટ કચરો એકત્રિત કરી તેની સઘન તપાસ હાથ ધરી છે.
પાટણ શહેરના વિવિધ હોસ્પિટલો અને દવાખાનાઓની આસપાસ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો કચરો નાખવાની મળેલી અનેક ફરિયાદોને આધારે નગર પાલિકાના ચીફ ઓફિસરે લક્ષ્મીનગર વિસ્તારની આસપાસની હોસ્પિટલોના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં સ્થળ નિરીક્ષણ કર્યું હતું ને કેટલોક મેડિકલ વેસ્ટ, ઇન્જેક્શનો, હાથના મોજા, દવાની ખાલી બટલીઓ વગેરે જપ્ત કરી સંબંધિત ડોકટરો સાથે ચર્ચાઓ કરી હતી સાથે સાથે આવા મેડિકલ વેસ્ટના કચરાથી થતા નુકશાન અંગેની જાણકારી આપી હતી ને આ જોખમી કચરો જાહેરમાં ન નાખવાની સૂચનાઓ આપી હતી. ચીફ ઓફિસરની ઓચિંતી તપાસ ને લઈ શહેર ની હોસ્પિટલો અને દવાખાનાઓના ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ચીફ ઓફિસરે આ અંગે જણાવ્યું હતું કે, જો આવો કચરો હોસ્પિટલ આસપાસથી ફેકેલો જણાશે તો તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.