પાટણ: જાણીતા મહિલા એડવોકેટ જ્યોત્સનાબેન નાથે ગાંધી જયંતીના દિવસે અનોખા શપથ લીધા હતા. જેમાં તેઓ દેશના કોઇપણ ખૂણામાં મહિલાઓ ઉપર અત્યાચાર અને દુષ્કર્મની ઘટના બનશે તો તેના આરોપીઓ માટે કફન ખરીદીને પોસ્ટ મારફતે મોકલશે તેમ જણાવ્યું હતું.
દુષ્કર્મીઓ માટે પાટણના મહિલા એડવોકેટે કફનની કરી ખરીદી - patan lady buys shroud for rapists
દેશભરમાં મહિલાઓ પર વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇ પાટણમાં ગાંધીજયંતી નિમિત્તે જાણીતા મહિલા એડવોકેટ જ્યોત્સનાબેન નાથે આવી ઘટનાઓનો વિરોધ કરી દુષ્કર્મીઓ માટે કફન ખરીદી મોકલવાનો સંકલ્પ પણ લીધો હતો.
તેમના આ સંકલ્પમાં પાટણની અન્ય મહિલાઓ પણ જોડાઈ હતી. જ્યોત્સનાબેન અને તેમની સાથેની અન્ય મહિલાઓએ હાથરસ, રાજસ્થાન અને દેશના અન્ય રાજ્યોમાં તાજેતરમાં બનેલા મહિલાઓ સાથે દુષ્કર્મ અને હત્યાના જઘન્ય કૃત્યને સખત શબ્દોમાં વખોડ્યું હતું અને જ્યાં સુધી આવી ઘટનાઓ ન અટકે ત્યાં સુધી દુષ્કર્મ આચરનાર માટે કફન ખરીદી જે તે રાજ્યના ગુનેગારોને મોકલવામાં આવશે તેવો સંકલ્પ લીધો હતો.
પાટણ ખાદી નિકેતન ખાતેથી આ મહિલાઓએ રાજસ્થાન અને યુપીના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાના આરોપીઓ માટે કફન ખરીદ્યુ હતું અને આગામી સમયમાં પોસ્ટ મારફતે આ કફન મોકલવામાં આવશે તેમ જણાવ્યું હતું.