- અત્યાર સુધીમાં 9 ઘરફોડ અને 5 મંદિરોમાં ચોરીને આપ્યો છે અંજામ
- આ ગેંગમાં ૧૩ સભ્યો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે
- અત્યાર સુધીમાં ૨૫ લાખથી વધુનાં મુદ્દામાલની કરી છે ચોરી
પાટણ અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ અને મંદિરોમાં ચોરીને અંજામ આપતી ટોળકી ઝડપાઈ - મહેસાણા સમાચાર
પાટણ જિલ્લામાં છેલ્લા 8થી 10 મહિનામાં થયેલી ઘરફોડ ચોરી અને મંદિરોમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલવામાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. ચોરીને અંજામ આપતી ગેંગના 4 આરોપીઓને પોલીસે ઝડપીને પૂછપરછ કરતા આ ગેંગનાં 13 સભ્યોએ 9 ઘરફોડ ચોરી અને 5 મંદિર ચોરીને અંજામ આપી રૂ.૨૫ લાખથી વધુની રકમ ચોરી કરવાનું સામે આવ્યું છે. ત્યારે આ ગેંગના બાકીના આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પાટણ: પાટણ અને મહેસાણા જિલ્લામાં એક જ મોડસ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીનાં સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે આ ચોરીઓનો ભેદ ઉકેલવા માટે પાટણ એલસીબી અને જિલ્લાની વિવિધ પોલીસ ટીમ ના માણસો એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કામે લાગ્યા હતા. ત્યારે ઘર ઘરફોડ ચોરી અને મંદિરમાં ચોરી કરનાર 4 ઇસમોને પોલીસે ઝડપી લઇ તેઓની સઘન પૂછપરછ કરતા આ ઘટનાને અંજામ આપવામાં 13 માણસોની ગેંગ હોવાનું સામે આવ્યું હતું. આ ગેંગ દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા, સેલાવી, વસાઈપુરા, સિધ્ધપુર તાલુકાના કનેસરા અને સરસ્વતી તાલુકાના કોટાવડ તથા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ટુંડાવ,વિજાપુર અને વડનગર તાલુકાના વિવિધ ગામોમાં નવ ઘરફોડ ચોરી અને પાંચ મંદિર ચોરી કરી અંદાજે ૨૫ લાખથી વધુની રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે આ ગેંગના અન્ય 9 આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.