પાટણ : રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજા પહોંચી હતી. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરતું મૃત્યુ પામેલા તેમજ ઇજાગ્રસ્તોને મુખ્યપ્રધાન રિલીફ ફંડમાંથી સહાય ચૂકવવાની માંગ કરી છે. અકસ્માતના પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરી છે.
સહાય ચૂકવવા માંગ :રાધનપુર વારાહી હાઇવે પર મોટી પીપળી ગામ પાસે બપોરના સુમારે જીપ અને ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. જ્યારે 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને ધારપુર સિવિલ હોસ્પિટલ અને મહેસાણા ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવને પગલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે રાજ્યના મુખ્યપ્રધાનને એક પત્ર પાઠવી માંગ કરી છે કે, આ ગોઝારા અકસ્માતની દુર્ઘટનામાં સાત લોકો મોતને ભેટ્યા છે અને 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ભોગ બનેલા પરિવારજનોને મુખ્યપ્રધાન રિલીફ ફંડમાંથી સહાય ચૂકવવા માંગ કરી છે. સાથે સાથે ઇજાગ્રસ્તોને સરકાર તરફથી ઉત્તમ સારવાર મળી રહે તેવી પણ પત્રમાં માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો :Radhanpur Accident: પાટણના રાધનપુરમાં વારાહી હાઈવે પર ભયાનક અકસ્માત, 6 લોકોના મોત