ઊંઝા ત્રણ રસ્તા પાસે જીવલેણ અકસ્માત, યુવક પર ટ્રક ફરી વળ્યો પાટણ :શહેરના હાઇવે માર્ગ ઉપર બેફામ બની દોડતા ટ્રક ચાલકો અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જે છે. પોલીસ નાના વાહન ચાલકો સામે કાયદાનો કોરડો વિંઝે છે. પરંતુ માતેલા સાંઢની જેમ દોડતા આવા ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી કરતા નથી. ત્યારે આજે વધુ એક યુવાનને અકાળે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પાટણમાં વાહનોથી ધમધમતા ઊંઝા ત્રણ રસ્તા નજીક આજે સવારે અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું મોત થયું હતું.
કાળમુખી ટ્રક : પોલીસમાંથી મળતી સત્તાવાર માહિતીથી અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મિતેશ દવાભાઈ પટેલ મૂળ મણિયારીના વતની અને હાલમાં પાટણ ખાતેની દિવ્ય આશિષ સોસાયટીમાં રહે છે. આજે તેઓ પોતાનું બાઈક લઈને ઊંઝા ત્રણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી માતેલા સાંઢની જેમ આવી રહેલ નંબર વગરના ટ્રકનો ચાલક પોતાનો ટ્રક ફુલ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રહ્યો હતો. અચાનક આગળ જઈ રહેલ બાઈકચાલકને ટ્રકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત અંગે મોટાબાપના દીકરા વિશાલ બળદેવભાઈ પટેલે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માતને પગલે ટ્રક ચાલક પોતાનો ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે.-- એન.ડી. લોઢા (તપાસ અધિકારી)
બાઈકચાલકનું મોત : આ અકસ્માતમાં બાઈક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતા તેના બંને પગ ચગદાઈ ગયા હતા. ગંભીર ઇજાઓ થવાને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં તાત્કાલિક ઈજાગ્રસ્તને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત અંગેની જાણ થતાં પરિવારજનોમાં શોકની લાલીમા છવાઈ છે.
બેફામ ટ્રક ચાલકો :જિલ્લામાં ઓવરલોડ રેતી ભરી વધુ ફેરા કરવાની લાયમાં બેફામ ટ્રક ચાલકો ટ્રક દોડાવતા હોય છે. જો પાટણ જિલ્લા હાઈવે પોલીસ તેઓની સામે કડક કાર્યવાહી કરે તો જીવલેણ અકસ્માતનું પ્રમાણ ઘટી શકે છે. આ મામલે આરટીઓ કચેરીના અધિકારીએ પણ સક્રિય બની પ્રજાની સલામતી માટે આવા ટ્રક ચાલકો સામે લાલ આંખ કરવાની જરૂર છે.
- Patan Accident News : પંચાસરમાં રખડતા પશુની અડફેટે બાઈકચાલક યુવાનનું મોત
- Patan Accident News : સુરકા ગામે પુત્રવધુને બચાવવા જતા વીજ કરંટથી સસરાનું મોત