● મુખ્ય પ્રધાન રૂપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું
● કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતને કારણે ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી
● કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે ગુજરાત સજ્જ
પાટણ: શહેર સહિત જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો અને પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતા તમામ હોસ્પિટલો હાઉસ ફૂલ બની હતી, જેના કારણે ઓક્સિજનની તીવ્ર અછત ઊભી થઈ હતી ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ જગતમાં આગવી પહેલ કરી હતી અને લોકભાગીદારીથી યુનિવર્સિટી કેમ્પસમાં 93 લાખના ખર્ચે 13 હજાર લિટર કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ પ્લાન્ટમાં એક સાથે 40 બોટલો ભરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાઈ છે.
આ પણ વાંચો:માણસા જનરલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું કરાયુ લોકાર્પણ
યુનિવર્સિટીએ સમાજ જીવનમાં ઉપયોગી થાય એવું કામ કર્યું
ઓક્સિજન પ્લાન્ટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ જતા મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટથી પાટણ શહેર સહિત જિલ્લા અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમિયાન ઓક્સીજનની જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઈ શકશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મૃત્યુ થયા હતા પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજનની અછતને કારણે થયું નથી તેવી સ્પષ્ટતા કરી હતી. કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણ સજજ હોવાનું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો:Oxygen plant: સયાદલા એન. આર. આઇ. પરિવાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો
HNG યુનીવર્સીટી ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરનારી રાજ્યની પ્રથમ ગ્રાન્ટેડ યુનિવર્સિટી બની
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા લોકાર્પણ બાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ ઓક્સિજન પ્લાન્ટ ખાતે જઈ રીબીન કાપી વિધિવત રીતે ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુક્યો હતો. આ કાર્યક્રમ મહાનુભાવોનું તેમજ ઓક્સિજન પ્લાન્ટમાં સહયોગ આપનાર દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી, નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી, ધારપુર મેડિકલ કોલેજના ડીન યોગેશાનંદ ગોસ્વામી સહિત યુનિવર્સિટીના કારોબારી સભ્યો, દાતાઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.