- હારીજ-રાધનપુર હાઇવે રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત
- બાઇક સવારનું ઘટના સ્થળે નીપજ્યું મોત
- બેથી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા
પાટણ: હારીજ રાધનપુર રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ. જ્યારે બેથી વધુ લોકોને ગંભીર ઇજા થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનું પંચનામું કરીને PM અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:પારડી નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત, ટેન્કર ચાલકે કારને ટક્કર મારતા પાંચને ગંભીર ઇજા
હારીજ રાધનપુર હાઇવે રોડ પર ત્રિપલ અકસ્માત
પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર રોજબરોજ અકસ્માતોના નાના મોટા બનાવો બનતા હોય છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. હારીજ તાલુકાના સરવાલ ગામના ઠાકોર કાનજી મેવાજી પોતાનું બાઈક લઈને કામ અર્થે હારીજ આવ્યો હતો અને કામ પૂરું કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે સમયે તેની પાછળ દેવીપૂજક સમાજનો રવિ સામી તરફ જઈ રહ્યો હતો. બંને લોકો હારીજ રાધનપુર હાઇવે રોડ પર વાદી વસાહત નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી કારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારીને બાઈક અને રિક્ષાને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર હવામાં ફંગોળાઈ જમીન પર નીચે પટકાયો હતો. જેથી તેને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. રીક્ષાને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતુ.
આ પણ વાંચો:ધંધુકા નજીક તગડી રેલવે ફાટક 123-SPL પર ટ્રાફિક જામ અને અકસ્માત યથાવત
અકસ્માતમાં બેથી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ
અકસ્માતને પગલે કાર રોડ સાઈડના ખેતરોમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં બેથી વધુ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે માર્ગ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. વાદી વસાહત નજીક અકસ્માતની જાણ થતાં હારીજ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહનું પંચનામું કરીને PM અર્થે ખસેડી હતી.