પાટણ: અનલોક-1 શરૂ થતા શહેરમાં કીડીયારાની જેમ લોકોથી બજારો ઉભરાઈ રહ્યાં છે. ત્યારે કેટલાય લોકો બેફામ રીતે માસ્ક વિના ફરતા હોવાની રાડ ઉઠતા પ્રાંત અધિકારીએ શહેરમાં માસ્ક વિના ફરતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરતા ફફડાટ વ્યાપી ગયો હતો.
પાટણમાં માસ્ક વિના ફરતા લોકો સામે તંત્રએ લાલ આંખ કરી પાટણ શહેરમાં અનલોક 1 બાદ શહેરના બજારો સવારથી જ ધમધમતા હોય છે. પરંતુ સરકારની ગાઇડ લાઇનનું સરેઆમ ઉલ્લંઘન કરી લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખતા ન હોવાનું અને માસ્ક વિનાના ફરતા હોવાનું જણાતા પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે શહેરના હિંગળાચાચર,બગવાડા સહિતના વિસ્તારોમાં પોતાના સ્ટાફ સાથે નગરપાલિકાના કર્મચારીઓને લઈ ઉભા રહી માસ્ક વિના ફરતા લોકો સામે રૂ.200નો દંડ વસુલવાની કામગીરી આરંભતા મોટી સંખ્યામાં લોકો માસ્ક વિના ફરતાં દંડાયા હતા.
રિક્ષાઓમાં માત્ર બે મુસાફર બેસાડવાની પરવાનગી હોવા છતાં બે કરતા વધુ પેસેન્જરો બેસાડી રીક્ષા ચાલકો ફરતા હોવાથી આવી રિક્ષાના ચાલકો સામે પણ દંડ વસૂલવામાં આવ્યો હતો. પ્રાઇવેટ કાર, બાઈક ઉપર પણ લોકો માસ્ક વિના બજારોમાં ફરતાં પકડાયા હતા. તો કેટલાક વેપારીઓ પોતાની દુકાનોમાં માસ્ક નહિ પહેરતા તેઓની સામે પણ દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એક તરફ શહેરમાં દિવસે દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજદિન સુધીમાં શહેરમાં 32 જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ ચૂક્યા છે. તેમ છતાં લોકો બેજવાબદારી પૂર્વક બજારોમાં ફરતા હોય છે.
પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે, શહેરમાં માસ્ક પહેરવાનું પાલન બહુ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે. ત્યારે આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. સરકારની ગાઇડ લાઇનનું લોકોએ ચુસ્તપણે અમલ કરવો જરૂરી છે. વેપારીઓ, રિક્ષાચાલકો, બાઇકચાલકો, કારચાલકો, માસ્ક વિના ફરતા હોવાથી તેઓ સામે નગરપાલિકા દ્વારા મોટી સંખ્યામાં દંડ વસૂલવામાં આવ્યો છે. લોકો જાગૃત બને અને બિનજરૂરી રીતે બહાર ન નીકળે તે પણ જરૂરી છે.