પાટણ: વર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતો ફેલાતો અટકાવવા માટે સરકારે સમગ્ર દેશમાં 4 તબક્કામાં લોકડાઉન લાગૂ કર્યું હતું. આ લોકડાઉન બાદ સરકારે અનલોક-1 જાહેર કરીને કેટલીક શરતોને આધીન છૂટછાટ આપી છે. આવા સમયે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા 25 જૂનથી વિવિધ પરીક્ષાઓ લેવાની જાહેરાત કરવામાં આવી છે.
HNGUની પરીક્ષામાં માસ પ્રમોશન અથવા પરીક્ષા મુલતવી રાખવા NSUIની માગ - HNGUની પરીક્ષામાં માસ પ્રમોશનની માગ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 25 જૂનથી લેવામાં આવનારી વિવિધ પરીક્ષાઓ મુલતવી રાખવા NSUI દ્વારા ધરણાં યોજવામાં આવ્યાં હતા. ધરણાં યોજીને NSUIએ માસ પ્રમોશન આથવા આ પરીક્ષાઓને મુલતવી રાખવામાં આવે તેવી માગ કરી હતી.
યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાતને લઇને NSUI દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અન્ય યુનિવર્સિટીઓની જેમ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં પણ અંડર ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે અથવા પરીક્ષા મુલતવી રાખવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી, પરંતુ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવતાં સોમવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં પરીક્ષા મુલતવી રાખવાના બેનરો ધરણાં યોજ્યાં હતા.
બીજી તરફ વિદ્યાર્થી સંગઠન ABVPએ પણ વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનારી પરીક્ષા મુલતવી રાખવામાં આવે, તે અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું.