પાટણ: કોરોના મહામારીને કારણે ગત 3 મહિનાથી તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા છે, ત્યારે તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટી કક્ષાએ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષા લેવી કે નહીં તેનો નિર્ણય યુનિવર્સિટીઓ ઉપર છોડ્યો છે. જેને અનુલક્ષીને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતની કેટલીક યુનિવર્સિટીઓએ કોરોના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં ન આવે ત્યાં સુધી પરીક્ષાઓ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
HNGUની પરીક્ષા સ્થગિત કરાવવા NSUI અને SBVPએ કર્યાં ધરણાં
- HNGUનો નિર્ણય, 25 જૂનથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષા
- NSUIના કાર્યકરોએ કરી યુનિવર્સિટીની તાળાબંધી
- પરીક્ષા સ્થગિત નહીં થવા પર ABVPના કાર્યકરોની ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી
- પરીક્ષા મોકૂફ કરવા કુલપતિને સોમવાર સુધીનું અલ્ટીમેટમ
- અગાઉ પણ પરીક્ષા સ્થગિત કરવા બન્ને સંગનોએ આપ્યું આવેદન
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ 25 જૂનથી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને ગત કેટલાય દિવસોથી વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી રહી છે. આ મુદ્દે શુક્રવારે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીની તાળાબંધી કરી હતી, જ્યારે શનિવારે NSUIના પ્રદેશ અધ્યક્ષ મહિપાલ ગઢવીની આગેવાની હેઠળ NSUIના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે હોબાળો મચાવ્યો હતો અને કુલપતિ વિરુદ્ધ સૂત્રો પોકારી દેખાવ કર્યો હતો. આ સાથે જ કુલપતિને સોમવાર સુધીનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવવા પર NSUIએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.