પાટણ: સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની 55 વર્ષિય મહિલાનો COVID 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આ મહિલાના 25 વર્ષિય પુત્રનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે જિલ્લામાં COVID19 પોઝીટીવ કેસની સંખ્યા કુલ 20 થવા પામી છે.
સરસ્વતી તાલુકાના 2 ગામોમાં આરોગ્ય વિભાગની 18 ટીમ, સિદ્ધપુર તાલુકાના 4 ગામોમાં 22 ટીમ અને ચાણસ્મા તાલુકાના ગામના પરા વિસ્તારમાં બે ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાંથી નેદ્રા ગામે 12, તાવડીયા ગામે 1, ઉમરૂ ગામે 1 અને સિદ્ધપુર શહેર ખાતે 2 કેસ COVID19 પોઝિટિવ નોંધાયા છે. સરસ્વતી તાલુકામાંથી ભીલવણ ગામે 1 અને દેલીયાથરા ગામે 2 કેસ COVID19 પોઝિટિવ નોંધાયા છે. તથા ચાણસ્મા શહેરના કોટાવડીયાપરા વિસ્તારના 1 સહિત જિલ્લામાં COVID19ના કુલ 20 કેસ નોંધાયા છે.
જિલ્લામાં નોંધાયેલા COVID19ના કુલ 20 કેસ પૈકી 6 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, 1 દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે જ્યારે 13 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગના પેરા મેડિકલ અને નોન પેરામેડિકલ સ્ટાફની ટીમ દ્વારા ટેકો પ્લસ એપ્લિકેશન આધારીત હાઉસ ટુ હાઉસ સરવેમાં 27 એપ્રિલના રોજ 48,948 ઘરોની મુલાકાત લઈ 2,33,635 લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ ધરાવતા 315 વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી.