પાટણ: 1 હજારો વર્ષ પહેલા મહર્ષિ કદર્મ અને માતા દેવહુતીએ પુત્રની ઝંખના માટે સરસ્વતી નદીના કિનારે કઠોર તપસ્યા કરી હતી. જેને લીધે આ ક્ષેત્રને સિદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ઋષિ દંપતિની તપસ્યા જોઈને ભગવાન નારાયણે પ્રસન્ન થઈ વરદાનમાં માતા દેવહુતીના કુખે જન્મ લીધો અને ભગવાને માતાને નાની ઉંમરમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી માતાનો ઉધ્ધાર કર્યો હતો. ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલા માતા દેવહુતીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા અને આ બિંદુ નહિ અટકતા ત્યાં સરોવર બન્યું, જે બિંદુ સરોવર તરીકે ઓળખાય છે. આ જગ્યા પર ભગવાન પરશુરામે માતૃહત્યાના ઋણમાંથી મુક્ત થવા માટે પિંડદાન કર્યું હોવાથી આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં પ્રખ્યાત થયું છે.
માતૃગયા તીર્થ સિદ્ધપુરના બિંદુ સરોવર પર બ્રહ્મણો યજમાનને બેસાડી મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી તર્પણ વિધિ કરાવે છે. શ્રાદ્ધ વિધિમાં માતૃષોડશી મંત્ર બોલીને 16 પિંડ મૂકવામાં આવે છે. જે પિંડમાં માતાએ ગર્ભધાનથી લઇ પુત્રને મોટો કરવા સુધી જે કષ્ટ ભોગવ્યું હોય તેનો ઋણ સ્વીકાર કરી માતાની ક્ષમા યાચના કરાવે છે. તેમજ મોક્ષ પીપળા પર પાણીની ધાર કરાવે છે. બિંદુ સરોવરમાં સ્નાન બાદ માતૃ તર્પણ કરી તૃપ્ત થયા હોવાનું માનવામાં આવે છે. ભાદરવા મહિનામાં દેશભરમાંથી લોકો અહીં શ્રાદ્ધ કરવા આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુથી લઇ કર્ણાટક અને રાજસ્થાન તેમજ ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવે છે, અને સરસ્વતી નદી તટ પર તર્પણ કરાવી બિંદુ સરોવરમાં ડૂબકી લગાવી માતા દેવહુતી, કર્દમ ઋષિ અને ભગવાન ગયા ગજાધરના દર્શન કરી ધન્યતા અનુભવે છે.