ઈ બાઈકના શો રૂમમાં આગ ભભૂકતા લાખો રૂપિયા સ્વાહા પાટણ: પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ ઉપર ઈ બાઈકનો શો રૂમ આવેલો છે. લીલીવાડી બ્રિજ નજીકના શો રૂમમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગણતરીની સેકન્ડમાં આગે વિકરાળ રૂપ લઈ લેતા દૂર સુધી ગયેલા ધુમાડા નજરે ચડ્યા હતા. આજુબાજુ રહેલા લોકો એ શો રૂમના કાચ તોડીને પાણીનો છંટકાવ કર્યો હતો.
આ પણ વાંચો Patan Crime: ગજબ હેરાફેરી, એમ્બુલન્સમાં દર્દીની જગ્યાએ મળ્યો 2.62 લાખનો વિદેશી દારૂ
એકાએક આગ ભભૂકી: પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ ઉપર આવેલ લીલીવાડી બ્રિજ નજીક હીરો ઈલેક્ટ્રીક બાઈક શો રૂમના માલિક રાત્રે પોતાનો શો રૂમ બંધ કરીને ઘરે ગયા હતા. જે બાદ શોરૂમમાં કોઈ અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બંધ શો રૂમમાંથી આગના ધુમાડા આકાશને આંબવા લાગ્યા હતા. જેને પગલે આસપાસમાંથી વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. શોરૂમના માલિકને તાત્કાલિક જાણ કરી હતી.
પાટણમાં ઇલેક્ટ્રિક બાઈકના શો રૂમમા લાગી આગ 20 જેટલા બાઇક બળીને ખાખ: 20 જેટલા બાઇક બળીને ખાખ થતા શોરૂમના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી બાજૂ જો ફાયર ફાઈટર સમયે ના આવ્યા હોત તો મોટી માત્રામાં નુકશાન થઇ જાત. આજૂબાજુમાં આવેલી દુકાનોને પણ નુકશાન થવાની પુરી શક્યતાઓ હતી. પરંતુ સમયસર ફાયર વિભાગ પહોંચતા બીજા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો Patan Accident: રાધનપુરમાં સર્જાયેલા અકસ્માતને લઈને મુખ્યપ્રધાન પાસે સહાયની માંગ
આગ ઓલવવાનો પ્રયાસ:શોરૂમના કાચ તોડી સ્થાનિકોની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પણ આગ એટલી પ્રચંડ હતી કે કાબુ કરી શકાય ન હતો. જેથી પાટણ નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયર જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે વિસ્તારમાં અફરાતફરી જોવા મળી હતી. જોકે આ આગ લાગવાનું મૂળ કારણ શુ છે તે હજુ જાણવા મળ્યું નથી. પરંતુ જે પ્રાથમિક કારણ મળી રહ્યું છે તે પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.