પાટણ: જિલ્લાના ચાણસ્મા તાલુકાના કેસણી ગામના મહિલા સરપંચ આશાબેન મહેશભાઈ પટેલે વર્ષ 2018-19ના સમયમાં ચાલતી મનરેગાની કામગીરીમાં ગામની શાળામાં અભ્યાસ કરતા બાળકોની મોટી ઉંમર દર્શાવી તેવા બાળકોના જોબકાર્ડ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની જે તે સમયે કેસણી ગામના રહીશ ભવાનભાઈ કાશીરામભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સમક્ષ લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પાટણમાં મનરેગાની કામગીરીમાં કૌભાંડ મામલે કેસણી ગામના મહિલા સરપંચ સસ્પેન્ડ - Gujarat Panchayat Act
ચાણસ્મા તાલુકાનાં કેસણી ગામના મહિલા સરપંચ દ્વારા વર્ષ 2018-19ના વર્ષમાં કરવામાં આવેલા મનરેગાની કામગીરીમાં કૌભાંડ આચરવાના મામલે ગુરૂવારના રોજ પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ભષ્ટ્રાચાર આચરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
જે રજૂઆતના પગલે પાટણ જિલ્લા પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તેમજ તાલુકા વિકાસ અધિકારી ચાણસ્મા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તે તપાસના અંતે કેસણી ગામના મહિલા સરપંચ દ્વારા મનરેગા યોજનાના કામોમાં ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનુ જણાતા તેઓએ આ બાબતનો રિપોર્ટ પાટણ જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો હતો. જે રિપોર્ટના આધારે ગુરૂવારના રોજ પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57 (1) હેઠળ ચાણસ્મા તાલુકાના કેસણી ગામના મહિલા સરપંચ આશાબેન મહેશભાઈ પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.
જ્યારે જિલ્લા વિકાસ અધિકારીએ કેસણી ગામના મહિલા સરપંચને સસ્પેન્ડ કરતાં જિલ્લામાં ભષ્ટ્રાચાર આચરનારા તત્વોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.