પાટણઃ 1999માં થયેલ કારગીલ યુદ્ધમાં શહીદોના પરિવારની મદદ માટે સમગ્ર દેશમાંથી મદદ કરવામાં આવી હતી. પાટણના નોર્થ ગુજરાત મેડિકલ એસોશિયેશન દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાંથી અંદાજિત 50 લાખ રુપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જો કે આ ફંડને શહીદો સુધી પહોંચડવાને બદલે 7 આરોપીઓ ચાઉ કરી ગયા હતા. આ ઘટનામાં પાટણ કોર્ટે પોલીસને ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ કારગીલ યુદ્ધમાં શહીદોના પરિવાર માટે નોર્થ ગુજરાત મેડિકલ એસોશિયેશન દ્વારા પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાંથી ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો. આ રકમ 50 લાખ જેટલી હતી. તેથી 7 આરોપીઓએ શહીદોના પરિવારને આ રકમ પહોંચાડવાને બદલે ગબન કરી નાખ્યું. 10 વર્ષ બાદ દાન આપનાર કેમિસ્ટને આ વાતની ખબર પડી. તેમણે પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ. જો કે પોલીસે ફરિયાદ નોંધી નહીં. અરજદારે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરી પણ કંઈ પરિણામ આવ્યું નહીં. તેથી અરજદાર પંકજ વેલાણી જે કેમિસ્ટ હતા અને વકાલતનો અભ્યાસ કરીને વકીલ બન્યા તેમણે ગત વર્ષે પાટણ કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય તે માટે અરજી કરી હતી. જેમાં આજે કોર્ટે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદનો હુકમ કર્યો હતો. જે અનુસંધાને પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે.