- પાટણમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે
- શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી રેલાયા
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
- જિલ્લાના 8 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ
પાટણઃ જિલ્લામાં સતત બીજા દિવસે પણ સવારથી જ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. જિલ્લામાં જોતજોતામાં મેઘગર્જના સાથે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ ધીમી ધારે વરસાદ વરસતા શહેરના વિવિધ માર્ગો પાણીમાં ધોવાઈ ગયા હતા.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી
જિલ્લાના જલારામ મંદિર રોડ, રાજમહેલ રોડ, બુકડી, કાલિબજાર, સલવિવાડા, રેલવે ગરનાળુ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા રાહદારીઓ અને વિસ્તારના લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આકાશમાં વાદળો સર્જાયા દિવસ દરમિયાન ચારે તરફ અંધારું જ જોવા મળ્યું હતું. આ સાથે જ વાહનચાલકોને તકલીફ પડતા હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. પાટણ જિલ્લાના 8 તાલુકાઓમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.