પાટણ: આ બેઠકમાં ધાર્મિક સ્થળો અનલૉક-02ના જાહેરનામા તથા સ્ટાન્ડર્ડ ઑપરેટીંગ પ્રોસિજરનું ચુસ્ત પાલન થાય તે માટે જરૂરી સુચનાઓ આપતાં મદદનીશ કલેક્ટરે જણાવ્યું કે, ધાર્મિક સ્થળોએ પૂરતી તકેદારી નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં કોવિડ-19ના કેસોનું પ્રમાણ વધવા લાગશે. માટે ધાર્મિક પરિસરને સેનેટાઈઝ કરવા સાથે હાથ ધોવાની વ્યવસ્થા, તબક્કાવાર દર્શન સહિતની વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. વધુમાં આસ્થાળુઓ મૂર્તિ કે દર્શન માટેની કતારમાં રેલિંગ જેવી જગ્યાઓએ સ્પર્શ ન કરે તે પ્રકારની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું.
તાજેતરમાં શરૂ થયેલા શ્રાવણ માસમાં શિવ મંદિરો તથા આગામી માસમાં આવનારા બકરી ઈદના ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોઈ કોરોના વાઇરસના સંક્રમણનું જોખમ અનેકગણું વધી જાય છે. જેને અનુલક્ષીને પૂજા તથા બંદગી માટે એકઠા થતા લોકો ફેસ માસ્ક પહેરે, અભિવાદન વખતે શારિરીક સંપર્ક ટાળે તથા સામાજીક અંતર જાળવે તે માટે અનુરોધ કર્યો હતો. મદદનીશ કલેક્ટરે કો-મોર્બિડ કંડિશન ધરાવતા, વરિષ્ઠ નાગરીકો તથા નાના બાળકોને ધાર્મિક સ્થળોએ ઉપસ્થિતિ ટાળવાની અપીલ કરી હતી.