1796 વિદ્યાર્થીઓની મેરિટને આધારે પસંદગી પાટણ: રાજ્યમાં શિક્ષણનું સ્તર વધે અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા હેતુથી સરકાર દ્વારા સમગ્ર દેશ અને રાજ્યમાં આરટીઇ એક્ટ હેઠળ ધોરણ 1 થી 8 માં ખાનગી શાળાઓમાં વિના મૂલ્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો લાભ લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા વર્ષે 3,000 ની શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. ત્યારે ધોરણ નવ થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી પોતાનું ઘડતર કરી શકે તેવા હેતુથી સરકાર દ્વારા રાજ્યમાં મુખ્યપ્રધાન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના અમલમાં મૂકી છે.
મુખ્યપ્રધાન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ 1796 વિદ્યાર્થીઓની મેરિટને આધારે પસંદગી: જેમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મેળવવા માટે પરીક્ષા આપવી પડે છે ત્યારે પાટણ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ 9 થી 12 ના 9,740 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને તારીખ 11/ 6/ 2023 ના રોજ પરીક્ષા લેવાઈ હતી જેમાં 6029 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારબાદ પરિણામ જાહેર થતાં 839 વિદ્યાર્થીઓએ 60 ટકા ઉપર ગુણ પ્રાપ્ત કર્યા હતા તેમ જ 1796 વિદ્યાર્થીઓએ 50 ટકા ગુણ પ્રાપ્ત કર્યા છે. જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને તેમની પસંદગીની ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ પસંદગી કરવાની કામગીરી શરૂ કરી હતી.
જિલ્લાની 40 શાળાઓની પસંદગી:જેમાં છેલ્લા પાંચ વર્ષ પૈકી ત્રણ વર્ષમાં જે શાળાઓએ 80% પરિણામ પ્રાપ્ત કરી હોય તેવી 40 શાળાઓની પસંદગી શિક્ષણ વિભાગે કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા પસંદગી કરવામાં આવેલી શાળાઓની વાત કરીએ તો પાટણ તાલુકાની 20 શાળાઓ, ચાણસ્મા તાલુકા ની 4 શાળા,સિદ્ધપુર તાલુકા ની 7 શાળા, સરસ્વતી તાલુકાની 3 શાળા, હારીજ તાલુકાની 3 શાળા, સમી તાલુકાની 1 શાળા અને રાધનપુરની 2 શાળાઓ મળી કુલ 40 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ શાળાઓના સંચાલકો સાથે શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં એગ્રીમેન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને તેમની પસંદગીની શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
વિદ્યાર્થીઓને મળશે 22000 હજાર શિષ્યવૃતિ: મુખ્ય પ્રધાન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક 22000 રૂપિયા અને ધોરણ 11 થી 12 ના વિદ્યાર્થીઓને 25000 રૂપિયા શિષ્યવૃત્તિ સરકાર દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સિધી ચૂકવવામાં આવશે.
શિષ્યવૃત્તિ યોજનામાં કેટલીક વિસંગતતાઓ:મુખ્યપ્રધાન જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અમલી બનાવવામાં આવી છે. જેમાં કેટલીક વિસંગતતાઓ પણ સામે આવી છે. વિદ્યાર્થી જે શાળામાં ભણતો હોય અને તેને આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત પરીક્ષા પાસ કરી હોય અને તેનો મેરીટમાં સમાવેશ થયો હોય પણ પસંદગીની શાળા દૂર હોય અને શાળાની વાર્ષિક ફી પણ વધુ હોય તો વિદ્યાર્થીને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તેમજ ફી ખર્ચ વધી જાય છે. માટે આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય અને મેરીટમાં જેનો 8 સમાવેશ થયો હોય તેવા વિદ્યાર્થીઓ જે શાળામાં ભણતા હોય અને તેઓને શાળા બદલવી ન હોય તો આવા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધી શિષ્યવૃત્તિ જમા કરાવવામાં આવે તો વિદ્યાર્થી અને વાલીઓને પણ સીધો ફાયદો થશે.
- New Education Policy: ગુજરાતની તમામ શૈક્ષણિક સંસ્થાઓઓમાં લાગુ થશે નવી શિક્ષણનીતિ, પોસ્ટ ગ્રેજયુએટ માત્ર એક જ વર્ષ રહેશે
- Balvatika 2023 : નવી શિક્ષણનીતિને લઈને બાલવાટિકામાં બાળકોને શું ભણાવશે શિક્ષકો જુઓ