પાટણઃ દેસમાં બીજા તબક્કાનુ લોકડાઉન ચાલુ છે. ત્યારે શહેરમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળતા હોવાની ફરિયાદો ઉઠતા 21 એપ્રિલના રોજ જિલ્લામાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ બગવાડા દરવાજા ખાતે ઉભા રહીને આવતા-જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ હતું. બિનજરૂરી રીતે બહાર નીકળતા વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.
પાટણમાં જિલ્લા પોલીસ અધિક્ષકે વાહનોનું ચેકિંગ હાથ ધર્યુ - Bagwada darvaja
સમગ્ર દેશમાં લોકડાઉન છે તેમ છતા પાટણ શહેરમાં મોટી સંખ્યામાં લોકો વાહનો લઇને બહાર ફરવા નીકળે છે. જેથી જિલ્લા પોલીસ અધિક્ષકે બગવાડા દરવાજા પાસે ખુદ ઊભા રહીને બિનજરૂરી રીતે નીકળતા લોકો અને વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી.
પોલીસ અધિક્ષક બગવાડા દરવાજા ખાતે વાહનો ડિટેઇન કરતા હોવાની માહિતી અન્ય પોલીસ અધિકારીઓની મળતા તેઓ પણ દોડી આવ્યા હતા. તો બીજી તરફ બજારમાં સન્નાટો છવાઇ ગયો હતો. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ તડકામાં ખડે પગે ફરજ બજાવી રહી છે ત્યારે ૩જી મે સુધી લોકડાઉન છે. જેથી લોકો તેનું પાલન કરે તે જરૂરી છે. જે છૂટ આપવામાં આવી છે તેનો ખોટી રીતે ગેરલાભ ઉઠાવનારા સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. અને કહ્યું કે પ્રશાસનને જનતા સહયોગ આપે તે જરૂરી છે. તેમજ શહેરીજનો ઘરમાં રહી સુરક્ષિત રહે તેવી તેમણે અપીલ પણ કરી હતી.