- 11મી સદીથી પાટણમાં પટોળાનો ઉદ્યોગ શરૂ થયો
- સદીઓ બાદ પણ પટોળાએ તેની ચમક અને દમક જાળવી રાખી
- કોરોનાને પગલે પટોળા ઉદ્યોગ મંદીમાં સપડાયો
- કોરોનાને કારણે સહેલાણીઓની સંખ્યા ઘટી
- પર્યટકોની સંખ્યા ઘટતા વેચાણમાં થયો 50 ટકાનો ઘટાડો
પાટણ: જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ પટોળાના ઇતિહાસ પર નજર કરીએ તો અગિયારમી સદીમાં પાટણ ગુજરાતની પ્રાચીન રાજધાની હતી અને તેનો વિસ્તાર ભારતના 70 ટકા ભાગમાં વિસ્તરેલો હતો. તે સમયના પાટણના રાજા કુમારપાળ રોજ એક નવું પટોળુ પૂજામાં વાપરતા હતા ત્યારે આ માટે તેઓએ મહારાષ્ટ્રના ઝાલના શહેરના 700 સાલવી પરિવારોને પાટણમાં લાવ્યા અને ત્યારથી આ પરિવારોએ પાટણને પોતાની કર્મભૂમિ બનાવી પટોળાનો વ્યવસાય શરૂ કર્યો. પટોળાની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન કાપડ ઉપર છાપવામાં આવતી નથી, પણ તેના એક-એક તાણા અને વાળામાં પહેલેથી જ ડિઝાઇન પ્રમાણે રંગવામાં આવે છે. જેથી કપડું વણાય તે પહેલાં જ દોરા ઉપર ડિઝાઇન તૈયાર થાય છે. એક જ દોરાથી તૈયાર થતાં આ પટોળાની ભાત બંને બાજુ એકસરખી દેખાય છે. જેના કારણે પટોળાને બંને બાજુ પહેરી શકાય છે. પટોળાને વનસ્પતિ કલરોમાંથી તૈયાર કરવામાં આવે છે. જેથી તેના કલર એટલા પાકાં હોય છે કે વર્ષો સુધી આછા પડતા નથી. તેથી જ પટોળા માટે "પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી" કહેવત પ્રચલિત છે. પટોળું તૈયાર કરવામાં 04થી 05 માણસો રોકાય છે અને તેને તૈયાર થતાં છ મહિનાનો સમય લાગે છે. પટોળુ તેની ડિઝાઇન અનુરૂપ લાખો રૂપિયામાં વેચાય છે. પરંતુ હાલમાં કોરોના મહામારીને કારણે પર્યટકોની સંખ્યામાં ઘટાડો થતાં પટોળાના ઓર્ડરમાં ઘટાડો થયો છે. જેને કારણે હાલમાં પટોળાનું 50 ટકા વેચાણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:ડિસ્કવર ઈન્ડિયા: વિશ્વની આગવી ઓળખ પાટણના પટોળા
પર્યટકો આવતા ન હોવાથી ઓર્ડર મળતા નથી
ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે વેપાર-ધંધા અને ઉદ્યોગો પર મોટો ફટકો પડ્યો છે. જેને પગલે પાટણના વિશ્વ પ્રખ્યાત પટોળાના વેપારીઓ પણ મંદીમાં સપડાયા છે. કોરોનાને લઇ પાટણમાં આવતા સહેલાણીઓની સંખ્યા ઘટી છે. જેને કારણે પટોળાની ખરીદી નહીં થતાં અગાઉનાં વર્ષો કરતાં આ વર્ષે જૂજ સંખ્યામાં જ પટોળાનું વેચાણ થયું છે. પટોળા બનાવનારા રાહુલભાઈ સાલવીએ જણાવ્યું હતું કે, અગાઉ વર્ષ દરમિયાન સરેરાશ 12થી 15 પટોળાઓનું વેચાણ થતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી આ વેચાણ ઘટ્યું છે. સહેલાણીઓ ન આવતા ઓર્ડરો મળતા નથી. જેથી વેચાણમાં ઘટાડો થયો છે.