પાટણ : સેન્ચ્યુરી વિસ્તારમાં રાત્રીના સમયે વન્ય પ્રાણીઓના શિકાર કરવાના ઇરાદે ત્રણ બાઈક પર શિકારીઓ પ્રવેશ્યા હતા. બાઇક પર આવેલા શિકારીઓએ વન્ય જીવો પર બંદુક વડે ફાયરીંગ કર્યું હતું. બંદૂકના ભડાકા થતા જંગલમાં પ્રાણીઓનો શિકાર કરવામાં આવતો હોવાની શંકાને આધારે વનકર્મીઓ અને સ્થાનિક લોકો જંગલમાં દોડી ગયા હતા. અવાજની દિશામાં તપાસ કરતા લગભગ ત્રણેક બાઈક પર શિકારીઓ શિકાર કરવા આવ્યા હોવાનું જણાતા લોકો તે તરફ ગયા હતા.
સાંતલપુરના ધોકાવાડા નજીક જંગલ વિસ્તારમાં હરણ અને સસલાનો શિકાર - news in Santalpur
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામ નજીક સેન્ચ્યુરી વિસ્તારમાં રાત્રિના સમયે બાઇક લઇને આવેલા શિકારીઓએ વન્યજીવોનો શિકાર કરવા બંદૂકના ભડાકા કર્યા હતા. અવાજ થતાં સ્થાનિક લોકો અને વનકર્મીઓ જંગલમાં દોડી ગયા હતા. લોકોને આવેલા જોઈને શિકારીઓ બાઇક મુકીને નાસી છૂટયા હતા. બાઈકની તપાસ કરતા ત્રણ સસલા અને એક હરણ મૃત મળી આવતા અધિકારીઓએ શિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિકો અને જંગલખાતાના સ્ટાફને આવતો જોઈને શિકારીઓ બંદૂક લઇને બે બાઇક પર નાસી છૂટયા હતા .જ્યારે એક બાઈક લોકોએ પકડી પાડ્યું હતું. બાઈકની તપાસ કરતા બાઈક ઉપર લટકાવેલા થેલામાંથી ત્રણ સસલા અને એક હરણનો મૃતદેહ વનકર્મીઓને મળી આવ્યો હતો.
આ બાબતે ઉપરી અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, અને મૃતક જીવોનું પીએમ કરવામાં આવતા હરણના મૃતદેહમાંથી બંદૂકના સાત છરા મળી આવ્યા હતા.જિલ્લામાં હરણના શિકારનો કિસ્સો સામે આવતા જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાંતલપુર ખાતે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.