પાટણઃ જિલ્લામાં અનલોક-1માં કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમોને આધીન ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જેને પગલે પાટણ શહેરમાં બે દિવસ અગાઉ ધાર્મિક સ્થળોની સાફ-સફાઈ અને સેનેટાઇઝ કર્યા બાદ સોમવારે સવારથી મંદિરો સહિતના ધાર્મિક સ્થળોના દ્વાર ખુલ્યા હતાં. છેલ્લા અઢી મહિનાથી પ્રભુદર્શનથી દૂર રહેલા શ્રદ્ધાળુઓ પ્રથમ દિવસે દર્શન કરવા વિવિધ મંદિરોમાં આવ્યા હતા. મંદિરના વહીવટકર્તાઓ દ્વારા સરકારના નિયમો મુજબ મંદિરોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કુંડાળા, દોરડા બાંધી તેનાથી આગળ નહીં વધવા અને ક્રમબંધ રીતે જ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે તે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે પ્રવેશવાની અને બહાર નીકળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પાટણમાં ધાર્મિક સ્થળો સહિત હોટલ-રેસ્ટોરન્ટ ખુલ્યા - ધાર્મિક સ્થળો
કેન્દ્ર સરકારના આદેશ અને અનલોક-1માં સોમવારથી તમામ ધાર્મિક સ્થળો હોટલો અને રેસ્ટોરન્ટો નિયમોને આધીન ખોલવાની મંજૂરી અપાતા પાટણ શહેર સહિત જિલ્લામાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો અને હાઇવે સહિતની હોટલો રેસ્ટોરન્ટ ખુલ્યા છે. શહેરના વિવિધ ધાર્મિક સ્થળોના દ્વાર ખુલતા પ્રથમ દિવસે પ્રભુના દર્શન કરવા શ્રદ્ધાળુઓ મંદિરમાં પહોંચ્યા હતા.
પાટણમાં ધાર્મિક સ્થળો સહિત હોટલો, રેસ્ટોરન્ટ ખુલ્યા
પાટણના હાઇવે સહિત શહેરમાં આવેલી હોટલો અને રેસ્ટોરન્ટો પણ ખુલતા તેના સંચાલકો દ્વારા સરકારના નિયમોનું પાલન કરી ભીડ ન થાય તે માટે એક ટેબલ પર માત્ર બે વ્યક્તિઓ બેસે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ હોટલના સ્ટાફને માસ્ક, હેન્ડ ગ્લોઝથી સજ્જ કરી સંક્રમણ ન ફેલાય તે માટેની તકેદારી રાખવામાં આવી રહી છે. સ્થાનિકોને પાર્સલ સુવિધાથી જોઈતી વસ્તુ મળી રહે તે પ્રકારેની પણ વ્યવસ્થા કરાઇ છે.