પાટણ:હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સવારે તડકો અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે. આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાગ વાદળો ધસી આવ્યા આવ્યા હતા અને ભારે પવનો સાથે એકાએક ધોધમાર વરસાદી ઝાપટું પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાટણ પંથકમાં વીજળી પડવાથી ખેડૂત અને ભેંસનું મોત થયું છે.
લોકોને હાલાકી:વરસાદને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી વરસાદી પાણી માર્ગો ઉપર રેલાતા ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. શહેરના રેલવે પ્રથમ ઘરનાળા પાસે, કોલેજ અન્ડર પાસ સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. રસાદને પગલે ખેતીના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂત આલમ ચિંતિત બન્યો છે.
એક વ્યક્તિનું મોત: જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજના પગલે વીજળી પડવાના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બે દિવસ પૂર્વે પાટણની રાણીની વાવ સંકુલમાં વીજળી પડતા એક પ્રવાસીનું મૃત્યુ નીપજ્યું હતું. આજે વીજળી પડવાથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પાટણ તાલુકાના ચડાસણા ગામે સાંજના સુમારે ખેતરમાં રબારી ઈશ્વરભાઈ કામ કરી રહ્યા હતા તે દરમિયાન મેઘ ગર્જના સાથે તેજ લિસોટા સાથે વીજળી પડતા આંખના પલકારામાં ખેડૂત જમીન ઉપર પટકાયા હતા.
વીજળી પડતા ભેંસનું મોત: ખેતરમાં ભેસ ઉપર પણ વીજળી પડતા તેનું પણ મોત નીપજ્યું હતું. આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને જમીન ઉપર પડેલા ખેડૂતને તાત્કાલિક સારવાર થઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વીજળી પડવાથી ચડાસણા ગામે ખેડૂત અને પશુનું મોત થયું હોવાની જાણ થતા ગામના તલાટી કમ મંત્રીએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી