- કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ પાટણ આરોગ્યતંત્ર દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરાયું
- સરકારી હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ વધારવાની કામગીરી હાથ ધરાઈ
- 100 icu બેડ વધારવાની કામગીરી હાથ ધરાઈ
પાટણ: દેશમાં કેરળ સહિત કેટલાક રાજ્યમાં કોરોનાના વધતા કેસોથી તેમજ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને પાટણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે તૈયારીઓ આરંભી છે.કોરોનાની બીજી લહેર સમયે બેડ અને ઓક્સિજનની અછત સર્જાતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.જેના કારણે કોરોના ગ્રસ્ત દર્દીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સંભવિત ત્રીજી લહેરમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે હાલ જિલ્લાની ધારપુર સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ પાટણ અને સિધ્ધપુર હોસ્પિટલ તેમજ જિલ્લાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વધારાના 1500ઓક્સિજન બેડ અને 100 icu બેડ વધારવામાં આવી રહ્યા છે .હાલમાં તેની કામગીરી ચાલી રહી છે તેમજ ઓક્સિજનની અછત ઊભી ન થાય તે માટે પીએસસી ઓક્સિજન પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત નાનાં બાળકો માટે અલગ વોર્ડ ની વ્યવસ્થા કરવામાં આવી છે.આ વોર્ડમાં 50 બેડ ઓક્સિજનના અને icu બેડ પણ વધારવામાં આવ્યા છે.