પાટણના ગોરધનભાઈ ઠક્કરનો અનોખો સેવાયજ્ઞ પાટણ :પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. પરંતુ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો, ગાંડા ઘેલા લોકો અને દરિદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે. ધનતેરસના દિવસે દરેક વ્યક્તિ સોના-ચાંદીના આભૂષણો, રોકડ રૂપિયા અને મહાલક્ષ્મી માતાની પૂજા કરી સદાય પોતાના ઘર ઉપર કૃપા બની રહે તેવી પ્રાર્થના કરે છે. ત્યારે એનાથી વિપરીત બેબા શેઠના હુલામણા નામે જાણીતા પાટણના ગોરધનભાઈ ઠક્કર સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગી પસાર કરતા ભિક્ષુકો માટે છેલ્લા 14 વર્ષથી સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.
14 વર્ષથી ચાલતો સેવાયજ્ઞ : ગોરધનભાઈ છેલ્લા 14 વર્ષથી સમાજમાંથી તરછોડાયેલા લોકો અને રજળતા ભિક્ષુકોની સેવા કરી રહ્યા છે. તેઓ આવા લોકોને કોઈ એક સ્થળે બોલાવી તેમના વાળ-નખ કાપી, સ્નાન કરાવી નવા કપડાં પહેરાવે છે. ત્યારબાદ તેઓને ભરપેટ ભોજન કરાવે છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર ગોરધનભાઈ દરિદ્રનારાયણોની સેવા કરવામાં જ સાચો આનંદ અનુભવે છે.
દરિદ્રનારાયણોની સેવા કરી ઉજવે છે તહેવાર ધનતેરસે દરિદ્રનારાયણોની સેવા : ગોરધનભાઈએ ગંભીર બિમારી માટે બે-બે ઓપરેશન કરાવ્યા છે. ગોરધનભાઈએ પોતાની બીમારીને અવગણી ચાલુ વર્ષે પણ આ સેવાયજ્ઞને અવિરત ચાલુ રાખ્યો હતો. તેઓએ રજળતા ભિક્ષુકો અને દરિદ્રનારાયણોની સેવા કરી ખરા અર્થમાં ધનતેરસની ઉજવણી કરી હતી. ચાલુ વર્ષે પણ નગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા અને ફુટપાટ તેમજ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા. બેબા શેઠે આવા ભિક્ષુકોના વાળ-નખ કાપી, સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવ્યા હતા. ત્યારબાદ તેઓને પ્રેમથી ભરપેટ ભોજન કરાવ્યું હતું.
બેબા શેઠનો પ્રેરણાસ્ત્રોત કોણ ? ગોરધનભાઈના જણાવ્યા અનુસાર સેવાયજ્ઞની આ પ્રેરણા 14 વર્ષ અગાઉ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલની પુત્રી અનારના માધ્યમથી મળી હતી. 14 વર્ષ પહેલા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના 70 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે તેમની દીકરીએ જરૂરિયાતમંદ લોકોની સેવા કરી હતી. તેનાથી પ્રેરાઈને ગોરધનભાઈ ઠક્કરે આ સેવાયજ્ઞની શરૂઆત કરી છે.
સેવાપ્રવૃત્તિમાં મિત્રોનો સહયોગ : પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી જરૂરિયાત મંદોને હુંફ પુરી પાડનાર ગોરધનભાઈ ઠક્કરે છેલ્લા 14 વર્ષથી અવિરતપણે ધનતેરસના દિવસે ભિક્ષુકો અને માનસિક અસ્થિર લોકોની સેવા-ચાકરી કરવાનો નિત્યક્રમ આ વર્ષે પણ જાળવી રાખ્યો છે. તેઓ ઉપેક્ષાનો ભોગ બનેલા અને સમાજથી તરછોડાયેલા આવા લોકોની સેવા કરવાનો આનંદ મેળવ્યો હતો. ગોરધનભાઈની આ સેવા પ્રવૃત્તિમાં તેમના મિત્રો પણ સહભાગી બન્યા છે. દરિદ્રનારાયણમાં જ લક્ષ્મી નારાયણ વસેલા છે તે કહેવતને ગોરધનભાઇ ઠક્કરે સાર્થક કરી છે.
- Patan News: પાટણમાં 160 વર્ષથી બનતી મીઠાઈ 'દેવડા' આજે પણ છે હોટ ફેવરિટ, વિદેશમાં પણ થાય છે એકસ્પોર્ટ
- Patan News: પાટણ શહેરના ગરીબ બાળકોએ કર્યુ પ્રીમિયમ રેસ્ટોરાનું ઉદ્ધઘાટન