- પાટણ જિલ્લાના ગોખાંતર ગામડી ગામ હજુ પણ વિકાસથી વંચીત
- ગામમાં હજુ સુધી નથી બન્યો રોડ
- રોડ ન હોવાથી ગામ લોકોને પડી રહી છે મુશ્કેલી
પાટણઃ જિલ્લાના અંતરિયાળ ગામો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ સાંતલપુરનું ગોખંતર ગામડી ગામ છે. આ ગામ હાઇવેથી માત્ર ચાર કિલોમીટર અંદર આવેલું છે. તેમ છતાં હાઈવેથી ગામને જોડતો રોડ 70 વર્ષથી બન્યું નથી. જેના કારણે ગામમાં બનતી આકસ્મિક ઘટનાઓ તેમજ મહિલાઓની પ્રસૂતિ કે બીમાર વ્યક્તિઓ માટે જીવનું જોખમ ઊભું થાય છે. ગોખંતર ગામડી ગામમાં બિમારને સારવાર માટે ગામથી ખાટલામાં બેસાડી ચાર કિલોમીટર ચાલીને હાઇવે ઉપર પહોંચાડવા પડે છે.
બિમાર લોકોને ખાટલા દ્વારા સારવાર માટે પહોંચાડાય છે રોડ ન હોવાથી ખાનગી વાહન કે એમ્બ્યુલન્સ પણ ગામમાં નથી આવતી
સાંતલપુર તાલુકાના ગોખંતર ગામડી ગામના વસવાટથી આજદિન સુધી રોડ બન્યો નથી. ગામમાં 70 વર્ષથી વિકાસનો પાયો પણ નખાયો નથી. ગામમાં રોડ ન હોવાથી ખાનગી વાહનો કે એમ્બ્યુલન્સ પણ આવતી નથી. જેથી ગામમાં કોઇ બીમાર થાય તો સારવાર અર્થે લઇ જતા રસ્તામાં જ તેમના મોત પણ થાય છે. ગામમાં તાજેતરમાં જ એક વ્યક્તિએ પોતાના બન્ને યુવાન દીકરાઓને સમયસર સારવાર ન મળતા ગુમાવ્યા છે.
ગામમાં હજુ સુધી નથી બન્યો રોડ ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતા પણ હજુ સુધી નથી બન્યો રોડ
વિકાસનો મુખ્ય પાયો એટલે રોડ પછી એ ગામ હોય કે શહેર પરંતુ જો રોડ ન હોય તો વિકાસનો કોઈ હેતુ સાર્થક થતો નથી. આવું જ કંઇક જોવા મળી રહ્યું છે, સાંતલપુરના ગોખાતર ગામડી ગામમાં કે જ્યા રોડ ન હોવાથી ગામલોકો અપાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રોડ ન હોવાથી માત્ર બીમાર લોકોને જ મુશ્કેલીઓ પડે છે તેવું નથી પણ ગામના બાળકોનું ભવિષ્ય પણ મુશ્કેલીમાં મૂકાયું છે. ગામમાં શાળા તો છે, પરંતુ તે શાળામાં માત્ર ધોરણ 05 અને ધોરણ 06 સુધી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. જો બાળકોને આગળનું શિક્ષણ મેળવવું હોય તો ગામથી ચાર કિલોમીટર સુધી કાચા રસ્તે ચાલીને હાઇવે સુધી જવું પડે અને ત્યાંથી સાંતલપુર જવું પડે છે, જેથી ગામના લોકો પણ પોતાના બાળકોને માત્ર પાંચ ધોરણ સુધી જ ભણાવે છે. ગામના બાળકો પણ શિક્ષણથી વંચિત રહી જાય છે. તંત્ર દ્વારા રોડ બનાવવા માટે એક વાર કરોડો રૂપિયા તો ફાળવ્યા હતા અને રોડની કામગીરી પણ શરૂ કરી હતી, પરંતુ તે રોડ માત્ર કાચો જ બનાવ્યો છે. જેના થકી ગામલોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને હવે સરકારની આવી ઢીલી કામગીરીને લઇને ગામ લોકો રોષે ભરાયા છે અને આગામી ચૂંટણી પહેલાં રોડનું કામ પૂર્ણ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
ગોખાંતર ગામડી ગામ 70 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત