પાટણઃ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં એજન્ડા પરના 70 કામો અને વધારાના 26 કામો મળી કુલ 96 કામો અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. શહેરની વિવિધ સોસાયટીઓ અને પોળોમાં ડામર રોડ, સીસીરોડ, બ્લોક પેવિંગના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત વરસાદમાં બિસ્માર બનેલા માર્ગોની મરામત માટે રૂપિયા 1.50 કરોડના કામોને બહાલી આપવામાં આવી હતી. તેમજ અંબિકા શાકમાર્કેટ પાસેના સર્કલ પર ભારત રત્ન અટલ બિહારી બાજપાઈની પ્રતિમા લોકભાગીદારીથી મુકવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આમ, સામાન્ય સભામાં મોટા ભાગના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કરવામા આવ્યા હતાં.
પાટણ નગરપાલિકાની સામાન્ય સભા મળી
પાટણ નગરપાલિકાના સભાખંડમાં નવા વર્ષની પ્રથમ સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડા ઉપરના વિવિધ વિકાસલક્ષી કામોને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.
નગરપાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના મધુભાઈ પટેલે યુનિવર્સીટીના સેનેટ સભ્યપદેથી નગરપાલિકાના ભાજપના સભ્ય મનોજ પટેલને હટાવી અન્યની નામની દરખાસ્ત કરી હતી. આ મામલે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા મનોજ પટેલને 19 સભ્યોએ સમર્થન આપ્યુ હતું, જ્યારે તેઓને સભ્ય પદેથી હટાવવા કોંગ્રેસના 17 સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. નવાઈની વાત તો એ હતી કે, કોંગ્રેસના 4 સભ્યો તટસ્થ રહેતા મનોજ પટેલના વિરોધમાં આવેલી દરખાસ્તનો રકાસ થયો હતો.
શહેરના વિકાસ માટે 30થી 35 કરોડના કામ કરવા માટે નગરપાલિકાએ ત્રણ કન્સલ્ટન્ટોની પેનલ બનાવી છે. જેઓને સરખે ભાગે ગ્રાન્ટની ફાળવણી કરી વિકાસના કામોને વેગ આપવામાં આવશે.