ગુજરાત

gujarat

ETV Bharat / state

Ganesh Chaturthi 2023 : શું તમે જાણો છો ? સૌપ્રથમ ગણેશોત્સવની શરૂઆત પાટણમાં થઈ હતી, જુઓ 146 વર્ષ જૂની પરંપરા... - ગણેશજીની પાલખીયાત્રા

સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવનો વિધિવત રીતે પ્રારંભ થયો છે. દેશભરમાં ઉજવાતા આ ઉત્સવની શરૂઆત મહારાષ્ટ્ર નહી પણ ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં થઈ હતી. ત્યારબાદ સમગ્ર દેશમાં આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે. એશિયાના સૌથી પ્રાચીન પાટણના 146 મા ગણેશ મહોત્સવનો આજે વરસાદી માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થયો છે.

Ganesh Chaturthi 2023
Ganesh Chaturthi 2023

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 7:29 PM IST

શું તમે જાણો છો ? સૌપ્રથમ ગણેશોત્સવની શરૂઆત પાટણમાં થઈ હતી

પાટણ :આમ તો ગણેશ ઉત્સવને મહારાષ્ટ્ર રાજ્યનો તહેવાર માનવામાં આવે છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ ઉત્સવનું મહત્વ દેશભરમાં જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતમાં ગણેશ ઉત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળે છે. ગુજરાતની નવરાત્રી દેશ અને દુનિયામાં લોકપ્રિય બની છે. તેમ ગણેશ ઉત્સવ પણ લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. ગુજરાતના લોકોને જાણીને નવાઈ લાગશે કે ગણેશ મહોત્સવની મહારાષ્ટ્રમાં નહિ પણ ગુજરાતની ઐતિહાસિક અને ધર્મનગરી પાટણમાં સૌ પ્રથમ શરૂઆત થઈ હતી.

146 વર્ષની પરંપરા :પાટણની ગજાનંદ વાડી ખાતે 146 વર્ષથી પરંપરાગત રીતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અહીંયા ગણેશ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન ગજાનંદ મંડળીના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે. આ ગણેશ મહોત્સવના દર્શન માટે બહારના જિલ્લાઓમાંથી પણ લોકો આવે છે. અહીંયા ભક્તિમય માહોલમાં ચાલતા ગણેશ મહોત્સવના વિવિધ ધાર્મિક કાર્યક્રમ નિહાળી ભક્તો ધન્યતા અનુભવે છે.

મહારાષ્ટ્રીયન પરીવારનું આયોજન : પાટણમાં ગજાનંદ વાડી ખાતે 146 મા ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ભદ્ર વિસ્તારમાંથી મહારાષ્ટ્રીયન પરીવારના નિવાસસ્થાનેથી વરસતા વરસાદ વચ્ચે શ્રીજીની પાલખી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જે ગજાનંદ વાડી ખાતે પહોંચી હતી. જ્યાં ગણેશજીની મૂર્તિનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રીયન પરીવાર

અહીંયા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગણેશ મહોત્સવ ઉજવાય છે. જેથી હું છેલ્લા પાંચ વર્ષથી ગણેશ મહોત્સવમાં દર્શન માટે આવું છું. ખાસ કરીને પાલખીયાત્રા નીકળે છે, તે જોઈને ઘણો આનંદ થાય છે. -- સંદીપ પ્રધાન (શ્રદ્ધાળુ)

ગણેશ મૂર્તિની ખાસીયત : મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉજવાતા આ મહોત્સવનું વિશેષ મહત્વ છે. વર્ષોથી ભગવાન ગણેશની મૂર્તિ કાળી માટીમાંથી બનાવવામાં આવે છે. પ્રથમ વર્ષે જે પ્રમાણે મૂર્તિ બનાવવામાં આવી હતી, તે પ્રમાણે એક જ કદ અને એક આકારની મૂર્તિ દર વર્ષે બનાવવામાં આવે છે. મૂર્તિના વિસર્જન સમયે મૂર્તિમાંથી થોડી માટી લઈ તે માટીનો ઉપયોગ બીજા વર્ષે તૈયાર થનાર મૂર્તિના ઉપયોગમાં લેવાય છે. એટલે વર્ષો પૂર્વે બનાવેલ મૂર્તિનો અંશ આજે પણ આ મૂર્તિમાં જોવા મળે છે.

ગણેશોત્સવની શરુઆત : વર્ષો પહેલા મહારાષ્ટ્રીયન પરિવારો પાટણમાં આવ્યા હતા. ઈ.સ.1878 માં ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન 14 વર્ષ પછી લોકમાન્ય તીલકે સમાજમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે 1892 ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. આઝાદીની ચળવળ માટે આ ઉત્સવનું ખૂબ જ યોગદાન રહ્યું હતું. ત્યારબાદ સમગ્ર ભારતમાં આ ઉત્સવની શરૂઆત થઈ હતી. આ પ્રાચીન ગણેશ ઉત્સવનો સરકારી ગેજેટમાં પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

ગણેશજીની પાલખીયાત્રા : સમગ્ર દેશમાં અનંત ચૌદશના દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ઉજવાતા પાટણના ગણેશ ઉત્સવમાં અનંત ચૌદસના દિવસે નહીં, પણ પૂનમ દિવસે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં મૂર્તિનું ઉત્તપન કરવામાં આવે છે. ત્યારબાદ સાંજે શુભ મુહૂર્તમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. પાટણમાંથી શરૂ થયેલ આ ઉત્સવ આજે સમગ્ર દેશમાં ઘેર ઘેર ઉજવાઈ રહ્યો છે. જેને લઈ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારો ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

  1. Ganesh Chaturthi 2023: આ ગણેશ ચતુર્થીએ ઘરે બનાવો, ગણેશજીને પ્રિય લાડુ બનાવવાની રીત
  2. Ganesh Chaturthi 2023: ઘરે ગણેશ ચતુર્થીની તૈયારી કરી રહ્યા છે; જાણો પૂજાનો ચોક્કસ સમય અને પદ્ધતિ

ABOUT THE AUTHOR

...view details