પાટણમાં પોલીસ કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ પાટણ :પોલીસ હેડકવાટર્સ ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓનો બે દિવસથી નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પાટણના પોલીસ કર્મચારીઓનો આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 800 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ પોતાના આરોગ્યની ચકાસણી કરાવી હતી.
નિશુલ્ક મેડિકલ ચકાસણી કેમ્પ : વાર્ષિક મેડિકલ ચેકઅપના ભાગરૂપે પાટણ ડિવિઝનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓના આરોગ્યની ચકાસણી માટે જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે બે દિવસીય નિશુલ્ક મેડિકલ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો. સવારે આઠ વાગ્યાથી જ પોલીસ હેડકવાર્ટરના ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના આરોગ્યની ચકાસણી માટે એકત્ર થયા હતા. આ કેમ્પમાં પાટણના નિષ્ણાત સર્જન ફિઝિશિયન પોલીસ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી જરૂરી સૂચનો અને દવાઓ આપી હતી.
આ પણ વાંચો :Gujarat Medical Education: MBBS-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માતૃભાષામાં ભણી શકશે
અધિકારી કર્મચારીઓને હેલ્થ કાર્ડ :પાટણના નિષ્ણાત સર્જન ફિઝિશિયન હાડકાના નાક, કાન, ગળાના દાંતના પ્રોસ્ટોલોજી આંખના અને ચામડીના તબીબોએ પોલીસ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરી જરૂરી સૂચનો અને દવાઓ આપી હતી. આ કેમ્પમાં કેટલાક પોલીસ કર્મચારીઓના ઇસીજી રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. કેમ્પમાં નિદાન કરાવનાર દરેક પોલીસ અધિકારી કર્મચારીઓને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :સરહદ પરના નડાબેટમાં સેનાના જવાનો અને સેવાવ્રતી ડૉક્ટરોની વિશેષ બની રહી આ મુલાકાત, યોજાયો ફ્રી મેડિકલ કેમ્પ
પોલીસ અધિક્ષક વિજય પટેલનું નિવેદન : જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે જણાવ્યું હતું કે, વાર્ષિક મેડિકલ ચેકઅપના ભાગરૂપે આ કેમ્પમાં હાલ બેઝિક ચકાસણી કરવામાં આવી છે. આ ચકાસણી દરમિયાન જો કોઈ કર્મચારીને ગંભીર લક્ષણો જણાશે તો ડોક્ટરની સલાહ મુજબ દર્દીના બ્લડ રિપોર્ટ એક્સરે તેમજ ઇસીજી કરાવવામાં આવશે. તેમજ જો જરૂર પડે તો દર્દીને હોસ્પિટલમાં સારવાર પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હજુ થોડા દિવસ પહેલા પણ પાટણ સીટી પેજ સંચાલિત ભવાની ફાઉન્ડેશન દ્વારા શહેરમાં બુધવારે ગાંધી સુંદરલાલ પ્રાથમિક શાળા ખાતે આસપાસના વિસ્તારના બાળકો સહિત શાળાના બાળકો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર પોલીસ કર્મચારી માટે આયોજન કરવામાં આવતા કર્મીઓ આ કેમ્પમાં જોડાયા હતા.