- પત્ની પુત્રીને લઇ પરપુરુષ સાથે ભાગી જતા પરીવારે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- મહિલા પોલીસ સ્ટેશન આગળ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી
- ગંભીર હાલતમાં પાંચેયને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
પાટણ: હારીજ તાલુકાના ખાખલ ગામે રહેતા એક વ્યક્તિની પત્ની એક પુત્રીને લઇ અન્ય પુરુષ સાથે નાસી ગઈ હતી. જે અંગે હારીજ પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાતા SC-ST સેલના DySP આર.પી. ઝાલા તપાસ ચલાવી રહ્યા હતા તે દરમિયાન સોમવારે પીડિત પતિએ પોતાના 4 સંતાનો સાથે પાટણ ખાતે જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવ્યા હતા અને મહિલા પોલીસ સ્ટેશન પાસે અચાનક પાંચેય જણાએ ઝેરી દવા પી લીધી (Fathers and children drank poison) હતી. આ બનાવની જાણ હાજર પોલીસ કર્મચારીઓને થતાં તાત્કાલિક 108 બોલાવી પરિવારના તમામ સભ્યોને ગંભીર હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઝેરી દવા પી લેતા પાંચેય હાલ ગંભીર હાલતમાં છે. ઘટનાને પગલે SP સહિતના અધિકારીઓ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પત્ની હજી સુધી મળી ન આવતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું હાલમાં સામે આવ્યું છે.
એકબીજાનાં સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
આ અંગે SCST સેલના DySP આર.પી. ઝાલાએ જણાવ્યું હતું કે,આ વ્યક્તિની પત્ની અગાઉ કલોલ ખાતે એક શીખ પુરુષ સાથે રહેતી હતી, ત્યાંથી પાટણ જિલ્લાના મોટા વેલોડા ગામે રહેતો અમૃત તેને ભગાડીને મોટા વેલોડા ગામે લાવ્યો હતો. આ બંને સિધ્ધપુર તાલુકાના ખળી ગામે મજૂરી કામ કરતા હતા તે સમયે એકબીજાનાં સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ પાંગરતા લગ્ન કરી ખાખલ ગામે રહેતા હતા.