પાટણ : જિલ્લાના વારાહી ગામે રહેતા ભરવાડ શંકરભાઈએ પોતાના મકાનમાં પશુઓ માટે ઘાસચારો અને અનાજની બોરીઓ ભરી રાખી હતી, ત્યારે શનિવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર મકાનમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી.
વારાહીમાં મકાનમાં આગ લાગતા ઘાસચારો બળીને ખાખ - patan news
પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલા ભરવાડ વાસના એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગને લીધે મકાનમાં રાખેલો ઘાસચારો અને અનાજની બોરીઓ બળીને ખાખ થતાં પશુપાલકને મોટુ નુકસાન થયું છે.
આગના ધુમાડાના ગોટા આકાશને આંબતા લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. સ્થાનિકોએ વાસણોમાં પાણી ભરી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પવન વધુ હોવાને કારણે આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસમાં રહેતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
આ અંગેની જાણ રાધનપુર નગર પાલિકાને કરાતા તાત્કાલિક ફાયર ફાઈટર સહિત ફાયરની ટીમ વારાહી ખાતે પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો હતો અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાની ટળી હતી, પરંતુ 3 હજાર ઘાસના પુરા અને જીરાની 2, ઘઉંની 7 બોરીઓ બળી જતાં પશુપાલકને મોટું નુકસાન થવા પામ્યું છે.