પાટણ: જિલ્લાના સંખારી ગામે બપોરના સુમારે ઘઉંના ખેતરમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. આ મામલે પાટણ નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ફાયર ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં ચાર વીઘાના ખેતરમાં વાવેતર કરેલા ઘઉં બળીને ખાખ થતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું.
પાટણ તાલુકાના શંખારી ગામે રહેતા પટેલ રામજીભાઈ શીવાભાઈએ પોતાના ચાર વીઘાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને ઘઉં તૈયાર પણ થયા હતા. ત્યારે શુક્રવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઘઉંના ખેતરમાં એકાએક આગ લાગી હતી.