પાટણ : પાટણ કોલેજ કેમ્પસ જવાના અંડરપાસમાં ભરાઈ રહેતા વરસાદી પાણીની સમસ્યા ના ઉકેલ માટે રેલવે તંત્ર, પાટણ નગરપાલિકા અને વહીવટી તંત્રની એકબીજાને દોષારોપણ અને ખો આપવાની નીતિને કારણે પ્રતિ વર્ષે ચોમાસામાં હજારો વિદ્યાર્થીઓ અને કચેરી કામ અર્થે આવતા અરજદારોની હાલત દયનીય બની છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સામાન્ય વરસાદમાં પણ આ અંડરપાસ સ્વિમિંગ પૂલ બન્યો છે. અંડર પાસની એક સાઈડે બનાવેલી પગદંડી પર વિદ્યાર્થીઓ જીવના જોખમે દ્વિચક્રી વાહનો લઈને તો કેટલાક પગપાળા ચાલીને અભ્યાસ અર્થે અવરજવર કરે છે. રખે ન કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
પાટણના નાગરિકો માટે મુશ્કેલી - પાટણ કાંસા ભીલડી રેલવે લાઈન બ્રોડગેજમાં (Patan Kansa Bhildi Railway Line) રૂપાંતર થતાં રેલવે તંત્ર દ્વારા કોલેજ કેમ્પસ પાસેની ફાટક બંધ કરી રેલ્વે લાઈન પર લોખંડની રેલીંગ નાખી છે. આ માર્ગ પર આવેલા પ્રાંત કચેરી, સીટી સર્વેની કચેરીએ આવતા જતા અધિકારીઓ, અરજદારો અને જાહેર જનતાની અવરજવર માટે લાખો રૂપિયાના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. પરંતુ રેલવે અને વહીવટી તંત્રના એન્જિનિયરો અધિકારીઓની અણ આવડતને કારણે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં. પ્રતિવર્ષ ચોમાસામાં સામાન્ય વરસાદમાં સમગ્ર અન્ડર પાસમાં પાણી ભરાઈ જતા આ માર્ગ અવરજવર માટે બંધ થઈ જાય છે. પંપ લગાવી પાણી ઉલેચવામાં આવે છે. પરંતુ રાત્રિના સમયે વરસાદ પડે છે, ત્યારે કોલેજ કેમ્પસમાં આવેલા શાળા કોલેજોમાં અભ્યાસ કરતા 14,000થી વધુ વિદ્યાર્થીઓ સવારના સમયે અભ્યાસ માટે જઈ શકતા નથી.
આ પણ વાંચો :ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં મેઘમહેર, નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ