ચાલુ વર્ષે સમગ્ર ગુજરાતમાં ચોમાસાની ઋતુમા ભારેથી અતિ ભારે વરસાદ થવાથી લોકોના જાનમાલને ભારે નુકશાન થયુ છે. કમોસમી વરસાદને કારણે પણ ખેડુતોને મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. પાટણ જીલ્લાના સમી અને શંખેસ્વર તાલુકામાં અતિભારે અને કમોસમી વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફ્ળ ગયો છે. ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડુતોએ સમી શંખેસ્વર તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી માગ સાથે જીલ્લા કલેક્ટરેને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.
સમી અને શંખેસ્વર તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની ખેડુતોએ કરી માગ
પાટણ: જીલ્લાના સમી અને શંખેસ્વર તાલુકાઓમાં કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકશાન થતા ખેડૂતો બેહાલ બન્યાં છે. આ બન્ને વિસ્તારોને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે ખેડૂતોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ છે.
રાજય સરકારે ઘણા તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કર્યા છે. સમી અને શંખેસ્વર તાલુકાની નજીકના પાટડી તાલુકાને પણ અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ તાલુકામા સમી, શંખેસ્વર તાલુકા જેટલો જ અતિભારે વરસાદ થયો છે. છતા અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરવામાં આવ્યાં નથી. માટે આ બન્ને તાલુકાઓને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી પાક વિમાની રકમ સત્વરે ચુકવવામાં આવે તેવી માગ કરી હતી. પાટણના સમી શંખેસ્વર તાલુકાના ખેડુતોની માગણી સંતોષવામાં નહીં આવે તો આ વિસ્તારના ખેડૂતો ઉગ્ર આંદોલન કરી ભુખ હડતાલ ઉપર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.