પાટણ: જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીમાં ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજમાં જિલ્લાના પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
પાટણઃ હેમાણીપુરા ગામના ખેડૂતોએ પાકની હોળી કરી - પાટણના ખેડૂતોએ પાકને સળગાવ્યો
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાને સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલા પાક નુકસાન સહાય પેકેજમાંથી બાકાત રાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત શનિવારે હેમાણીપુરા ગામના ખેડૂતોએ કપાસના પાકની હોળી કરી સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો હતો.
હેમાણીપુરા ગામના ખેડૂતોએ પાકની હોળી કરી
સરસ્વતી તાલુકાના ખેડૂતોએ સરકારના આ નિર્ણય સામે બાંયો ચઢાવી છે અને શનિવારે હેમાણીપુરા ગામના ખેડૂતોએ એકઠા થઇ ખેતરમાં ઉભા કપાસના પાકને સળગાવી સરકાર વિરુદ્ધ દેખાવો કર્યો હતો.
સરસ્વતી તાલુકાના ખેડૂતોએ પાક નુકસાની સહાય ચૂકવવામાં નહીં આવવા પર રસ્તા રોકો આંદોલન અને કલેક્ટર કચેરી બહાર અહિંસક આંદોલન સાથે ધરણાં કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.