પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (Hemchandracharya North Gujarat University) ખાતે કારોબારી બેઠકમાં MBBS ગુણ સુધારણા કૌભાંડ મુદ્દે કુલપતિ ડૉ. જે.જે.વોરાએ બંધ કવરમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જે અંગે લંબાણપૂર્વક ચર્ચા કર્યા બાદ કારોબારી સમિતિએ કુલપતિએ આપેલા જવાબને ફગાવી દઈ ફાઇનલ તપાસ માટે બે સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરી છે. MBBS ગુણ સુધારણા કૌભાંડને લઈ ફરી એકવાર મુદત લંબાતા દોષિતને કોણ તેને લઇ શિક્ષણવિદોમા ભારે ચર્ચાઓ જાગી છે.
યુનિવર્સિટી દ્વારા બે સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરવાનો નિર્ણય
કારોબારી સમિતિની બેઠક (Executive Meeting of the University) દિલીપ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્ણ થયા બાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગત બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિને ચાર્જ સીટ આપવામાં આવી હતી. જેથી આજની બેઠકમાં તેઓએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો કે, 'જેમાં હું નિર્દોષ છું. મારા લેવલે કોઈ ગેરરીતિ થઈ નથી. મારાથી નીચેના લેવલના કર્મચારીઓ અથવા અન્ય કોઇની સંડોવણી હોઈ શકે તે રીતનો જવાબ રજૂ કર્યો છે.' જે અંગે લંબાણપૂર્વક ચર્ચા વિચારણા થઇ હતી. આ ઉપરાંત સર્વાનુમતે આ જવાબને ફગાવી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ બાદ હવે ફાઈનલ તપાસ માટે યુનિવર્સિટી દ્વારા બે સભ્યોની ઇન્કવાયરી સમિતિની રચના કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં તપાસ અધિકારી તરીકે એચ.એન ખૈર અને રજૂઆત અધિકારી તરીકે એસ.એ. ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બંને સમગ્ર કૌભાંડની તપાસ કરશે.
બે સભ્યોની સમિતિની રચના કરી