સુરતમાં ખાનગી ટ્યુશન કલાસીસમાં બનેલી આગની ઘટનાએ દેશ અને રાજ્યના વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી દીધી છે. આ અગ્નિકાંડમાં 22 જેટલા વિદ્યાર્થીઓ સુરક્ષાના અભાવે જીવતા મોતની છલાંગ લગાવવા મજબૂર બન્યા હતા. જો કે, ત્યાર બાદ તંત્ર હરકતમાં આવ્યુ અને ઠેર ઠેર ફાટી નીકળેલા ખાનગી ટ્યુશન ક્લાસિસો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સની તપાસ શરૂ કરી કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. ત્યારે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતા શું ખરેખર વિદ્યાર્થીઓ શાળાઓમાં સુરક્ષિત છે કે, કેમ તે માટે પાટણમાં ઇટીવી ભારતે તપાસ કરી હતી.
પાટણની બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, સુરમ્ય પ્રાથમિક શાળા, નાગરદાસ પટેલ પ્રાથમિક શાળા, શાંતિ નિકેતન હાઈસ્કૂલ, તારાબેન કન્યા શાળા, નાણાવટી શાળા સહિતની અનેક શાળાઓમાં તપાસ કરતા આ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા હતા. જો કે, કેટલીક શાળાઓમાં આકસ્મિક ઘટનામાં કામ કરી શકે તેવા કોઈ ટ્રેનરો જોવા મળ્યા ન હતા અને માત્ર ને માત્ર ફાયર સેફટીની બોટલો શોભાના ગાંઠીયા સમાન જોવા મળી હતી. જેથી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સેફટી અંગેની તાલીમ આપવી અતિ જરૂરી છે.
શૈત્રણિક સત્રનો પ્રારંભ, પાટણની શાળાઓમાં ફાયર સેફ્ટીની તપાસ સુરતની ઘટના બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યુ છે અને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તપાસ હાથ ધરી શાળાઓને ફાયર સેફ્ટી રાખવાની સૂચનાઓ આપી માત્રને માત્ર નોટિસો ફટકારવાનું કામ કર્યું છે. પાટણમાં નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ રામ નગર પ્રાથમિક શાળામાં આગની ઘટના બની હતી. જો કે, શાળામાં ફાયર સેફટી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને રસોડામાં ફસાયેલી મહિલાને મહામુસીબતે બહાર કાઢવામાં આવી હતી. ખરેખર જો વિદ્યાર્થીઓની સુરક્ષાની ચિંતા કરવી હોય તો, આપતકાલીન સમયમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે અંગેના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તે જરૂરી છે
પાટણ શહેરની સુરક્ષાને લઈ ને જો વાત કરવામાં આવે તો, માત્ર શાળાના બાળકો જ નહીં પણ શહેરીજનો પણ રામ ભરોસે હોય તેવુ ફાયર વિભાગની મુલાકાત બાદ ઘટસ્ફોટ થયો છે. પાટણ નગર પાલિકાના ફાયર વિભાગ પાસે કોઈ ફાયર ઓફિસર કે, તાલીમબદ્ધ કર્મચારી નથી કે, ન તો પૂરતા સાધનો છે. ત્યારે જોવાનું એ છે કે, આખરે લોકોને ક્યાં સુધી પોતાની મહામૂલી જિંદગી દાવ પર લગાડવી પડશે.
જો ફાયર સેફ્ટીના નિયમોની વાત કરીએ તો, જે શાળાઓમાં કેમિકલ લેબ હોય તે જગ્યાએ 6.5 લીટરની ફાયર સેફ્ટીની બોટલ, તેમજ બાકીની પ્રયોગ શાળાઓમાં 5 લીટરની અગ્નિશામકની બોટલો રાખવી ફરજીયાત છે. તદ્ઉપરાંત દરેક શાળાઓમાં ઓછામાં ઓછી 2 ફાયર સેફ્ટીની બોટલો રાખવી ફરજીયાત છે. તેમજ અગ્નિશામક બોટલોનું રિફિલિંગ પણ દર વર્ષે કરાવવવું ફરજીયાત છે.