પાટણ: રાધનપુર તાલુકાના નવા પોરાણા, વિજયનગર અને અલ્હાબાદ ગામોને પાણી પૂરું પાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા ધરવડી ગામેથી પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલી છે. ખેતરમાંથી પસાર થતી આ પાણીની પાઇપલાઇનમાં ખેડૂતો દ્વારા ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવતા ત્રણ ગામોમાં ઉનાળામાં પાણીની સમસ્યા ઉભી થઇ છે.
રાધનપુર પંથકમાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાના પાણીનો કકળાટ શરૂ - તળાવનું દુષિત પાણી પીવા મજબૂર
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ત્રણ ગામોમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ છે. પાણી પુરવઠાની પાઇપલાઇનમાં પાણી ન આવતા અલ્હાબાદ ગામના લોકો તળાવનું દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે. ગામલોકો દ્વારા રજૂઆતો કરવા છતાં પાણીની સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર કામગીરી તંત્ર દ્વારા કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અલ્હાબાદ ગામમાં પાણીની પાઇપલાઇનમાં પીવાનું પાણી આવતું નથી અને આસપાસમાં નજીકમાં ક્યાંય ખેતરમાં બોર પણ નથી, જેથી ગામની મહિલાઓને પીવાના પાણી માટે ન છૂટકે ગામના તળાવના પાણીને ઉપયોગમાં લેવું પડે છે. ગામના શ્રીમંતો રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવે છે પરંતુ ગરીબ માણસો પાસે પૈસા ન હોવાને કારણે તળાવનુ ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે.
ગામ લોકોએ વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા પાણીની સમસ્યાનું કોઇ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેના કારણે મહિલાઓને પાણી ભરવા માટે ખરા તાપમાં બેડા લઈને દુરદુર સુધી જવું પડે છે. વહીવટી તંત્ર દ્વારા ગામમાં પાણીની સમસ્યાનું નિવારણ તાત્કાલિક કરવામાં નહી આવે તો ગંદા પાણીને કારણે ગામમાં રોગચાળો ફેલાવાનો ભય લોકોને સતાવી રહ્યો છે.