પાટણ: સમગ્ર દેશમાં હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને સરકારે અનલોક 2માં કેટલીક છૂટછાટો વધારી વેપારધંધા કરવાની મંજૂરી આપી છે. લોકોની આર્થિક સ્થિતિ હાલમાં નબળી છે ત્યારે આવા સમયે ખાનગી શાળાના સંચાલકો શાળા સંકુલો બંધ હોવા છતાં ઓનલાઇન અભ્યાસના નામે વાલીઓ પાસે કડક રીતે ફીની માગણી કરી રહ્યાં છે અને ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાનું બંધ કરવાની ધમકીઓ પણ આપી રહ્યાં છે.
પાટણમાં ફી મામલે ધરણા પર બેઠેલાં વિદ્યાર્થીઓની અટકાયત - Students
પાટણમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની માગણી કરી ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરતાં મંગળવારે વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા કરી દેખાવ કર્યાં હતાં. જોકે મંજૂરી ન હોવાને કારણે પોલીસે વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
આ મામલે પાટણમાં છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થી યુવા સંગઠન, પાટીદાર અનામત આંદોલન સમિતિએ જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરી ચાલુ વર્ષે શૈક્ષણિક સત્રમાં ૫૦ ટકા ફી માફ માગણી કરી હતી તેમજ ફી ન ભરનાર એક પણ વિદ્યાર્થીનો ઓનલાઈન અભ્યાસ શાળાના સંચાલકો દ્વારા બંધ ન કરવામાં આવે તેવી પણ માગ કરી હતી તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતાં મંગળવારે વિદ્યાર્થીઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રતીક ધરણા યોજી ખાનગી શાળાના સંચાલકો સામે પોતાનો રોષ વ્યક્ત કરી દેખાવો કર્યા હતાં. જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓએ પૂર્વ મંજૂરી લીધી ન હોવાને કારણે 15થી વધુ વિધાર્થીઓની પોલીસે અટકાયત કરી હતી.