પાટણઃ નગરપાલિકાનું હયાત બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું છે. જે કારણે પાટણ નગરપાલિકા કેમ્પસમાં નવું બિલ્ડિંગ બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી બિલ્ડિંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યુ હતુ. દોઢ વર્ષથી ચાલી રહેલા બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થતા આ અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગનું લોકાર્પણ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું નગરપાલિકાના નવા મકાનનું લોકાર્પણ - ભાજપના આગેવાનો
પાટણ નગરપાલિકા કેમ્પસમાં રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ભવનનું ઉદ્ઘાટન રવિવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.
આ ઉદ્ઘાટન બાદ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ નાયબ મુખ્ય પ્રધાનનું સન્માન કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અનલોક-5ની જે ગાઈડ લાઇન જાહેર થઇ છે, તેમાં 200 લોકો એકઠા થઇ શકે છે, જેથી નવરાત્રીના આયોજન મામલે સરકાર વિચારણા કરી રહી છે. ત્યારે આ નિવેદન શેરી ગરબાઓના ખેલૈયાઓ માટે મહત્વનું છે. આ સાથે સરકારે જાહેર સ્થળોમાં યોજાતા મોટા ગરબા પર રોક લગાવી છે.
સ્કૂલ ફી મામલે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, શાળાઓ માત્ર 25 ટકા ટ્યૂશન ફી જ વસૂલી શકશે અન્ય ફી વસૂલી શકશે નહીં. ફી અંગે સરકારે શાળાના સંચાલકોને સૂચનાઓ આપી છે. VCEની હડતાલ મામલે નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, સરકાર શક્ય હોય તેટલી માંગણી ધ્યાને લઇ નિર્ણય કરશે.