પાટણ: પાટણ શહેર અને જિલ્લામાં કોરોના જીવલેણ બની રહ્યો છે. પોઝિટિવ દર્દીઓ સાથે મૃત્યુઆંક પણ દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલી ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ માટેના મશીનો,વેન્ટિલેટર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પરંતુ કોરોનાના દર્દીઓ માટે મહત્વના એવા કોરીફોર નામના ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે ભાજપના જ એક અગ્રણીનું મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવતા કોરોના દર્દીઓની સારવારમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોની બેદરકારીને લઈ ભારે ખળભળાટ મચ્યો છે.
ધારપુર સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના ઇન્જેક્શનના અભાવે ભાજપના અગ્રણીનું મોત - patan bjp leader death
કોરોનાના દર્દીઓ માટે મહત્વના એવા કોરીફોર નામના ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે ભાજપના જ એક અગ્રણીનું મોત થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

સાંતલપુર તાલુકાના જરૂષા ગામના પૂર્વ સરપંચ અને ભાજપના અગ્રણી પરમાભાઇ ચૌધરીને તાવ અને ખાંસીની તકલીફ ઊભી થતા રાધનપુરના તબીબની સલાહ મુજબ પાટણની ખાનગી શ્લોક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ફેફસાના સીટી સ્કેન કરાવતા કોરોનાના લક્ષણો હોવાથી તેઓને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ તેઓની સ્થિતિ ગંભીર બનતા વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દર્દીને કોરોના માટેનું કોરીફોર નામનું ઇન્જેક્શન આપવાની જરૂર ઉભી થઇ હતી. પરંતુ આ ઇંજેક્શન ધારપુર સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીને જાણ કર્યા બાદ તેમની ભલામણથી બીજા દિવસે સાંજે ઇન્જેક્શન દર્દીને મળ્યું હતું. પરંતુ રાત્રિના સમયે દર્દીનું મોત થયું હતું.
આ સમગ્ર મામલે પાટણના ઠક્કર હર્ષદકુમારે પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલની લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, આર્થિક લાલચમાં આવી મંજૂરી વગર કોરોનાની સારવાર કરતી હોસ્પિટલો પર સખત કાર્યવાહી કરવી જોઈએ. ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દવાઓ અને જરૂરી ઇન્જેક્શનો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આ બનાવને ગંભીરતાથી લઇ અન્ય દર્દી સાથે આવો બનાવ ન બને તે માટે યોગ્ય કાર્ય કરવાની માંગણી કરી છે.