વલસાડ : ઉમરગામની આદર્શ બુનિયાદી ગુજરાતી કન્યા શાળામાં ધોરણ 7 માં અભ્યાસ કરતી ખુશ્બુ અબ્દુલ મહેબૂબ ખાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. તાજેતરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત રાજ્ય શિક્ષણ વિભાગના સહયોગથી એડ્યુટર એપ દ્વારા વિવિધ રાષ્ટ્રવ્યાપી ક્વિઝ અભિયાનમાં ભાગ લીધો હતો. જેમાં ઉમરગામની મુસ્લિમ પરિવારની દીકરીએ ભાગવત ગીતાની (Bhagwat Gita Competition) રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમ મેળવી ઉમરગામનું નામ રોશન કર્યું છે.
શિક્ષકોએ 3915 ગીતાના ઉપદેશ પર ક્વિઝ બનાવી હતી
આ ઓનલાઈન સ્પર્ધામાં ગીતા જયંતી નિમિત્તે એડ્યુટર એપ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા ક્વિઝ અભિયાનનું (Shrimad Bhagwad Gita Quiz Campaign) આયોજન થયું હતું. આ અભિયાન અંતર્ગત શિક્ષકોએ 3915 ગીતાના ઉપદેશ પર ક્વિઝ બનાવી હતી. જેમાં ઉમરગામની ગુજરાતી કન્યા શાળામાં ધોરણ 7ની વિદ્યાર્થિની ખુશ્બુ અબ્દુલ ખાને ગીતા પર કુલ 428 ક્વિઝ સમુહના સાચા જવાબ આપી સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જે બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે તેમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આગામી દિવસોમાં રાજ્યના શિક્ષણ પ્રધાનના હસ્તે પણ તેમનું સન્માન કરવામાં આવશે.
પરિવાર અને શિક્ષકોએ ભાગવત ગીતાના વિષય પર માર્ગદર્શન આપ્યું
ખુશ્બુના પિતા અબ્દુલ ખાન પણ દીકરીની આ સિદ્ધિ બદલ (Bhagwat Gita Competition Ranks first in Country) ખુબ જ ખુશ છે. તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરી ભાગવત ગીતાની સ્પર્ધામાં દેશમાં પ્રથમ આવી તે જાણીને ગર્વ થાય છે. દરેક ધર્મ એક જ છે તેવા ઉદ્દેશ્ય સાથે પરિવાર અને શિક્ષકોએ ભાગવત ગીતાના વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. જે મહેનત ફળી છે. અને દીકરીએ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યા છે તેથી હુ ખૂબ ખુશ છું.