પાટણ: જિલ્લાની ધારપુર જનરલ હોસ્પિટલમાં નેદરા ગામની 54 વર્ષીય મહિલા, 26 વર્ષીય યુવતિ તેમજ ભીલવણ ગામની 65 વર્ષીય મહિલા અને ચાણસ્માના 70 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં હતાં.
ધારપુર જનરલ હોસ્પિટલના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની સતત જહેમત અને શ્રેષ્ઠ સારવારના પરિણામે ખૂબ સારા રીકવરી રેટ સાથે દર્દીઓ કોરોના મુક્ત થઈ રહ્યા છે. ત્યારે નેદરાની એક મહિલા અને એક યુવતી, ભિલવણની મહિલા અને ચાણસ્માના પુરુષનો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા ચાર દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 23 COVID-19 પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 17 દર્દીઓને સારવારના અંતે કોરોના મુક્ત કરી તેમના ઘરે જવા રજા અપાઈ હતી.
COVID-19 પોઝિટિવ આવનાર પાટણ જિલ્લાના 26 દર્દીઓ પૈકી 05 દર્દીઓ પાટણ જિલ્લામાં સારવાર હેઠળ છે. 01 દર્દી અમદાવાદ જિલ્લામાં સારવાર લઈ રહ્યો છે. 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તો એકનું મૃત્યુ થયું છે. COVID-19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવનાર અથવા બહારથી આવેલા લોકો પૈકી નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે 04, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે 02, મોડેલ સ્કુલ-વાગડોદ ખાતે 18 અને મોડેલ સ્કૂલ-હારીજ ખાતે 09 એમ કુલ 33 જેટલા લોકોને સરકારી ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.