પાટણઃ નગરપાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટિયાએ મુખ્યપ્રધાન રૂપાણીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં કોરોના મહામારીને લઇ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ નિહાળવા માટે પ્રવેશ ટિકિટ માટે ફક્ત online વ્યવસ્થા છે. મોબાઈલથી ટિકિટ મેળવી હોય તેવા પર્યટકોને જ પ્રવેશ આપવામાં આવે છે. ઓનલાઇન ટિકિટ ન હોય તેવા કેટલાય પર્યટકો ધરમના ધક્કા ખાઈ પરત જાય છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરોએ વગર ટિકિટે રાણીની વાવ નિહાળતા વિવાદ સર્જાયો - પાટણ લેટેસ્ટ ન્યૂઝ
પાટણની બે દિવસીય મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપના પ્રમુખે વિશ્વ ફલક પર ચમકેલી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવમાં 70 લોકોના કાફલા સાથે વગર ટિકિટે પ્રવેશ કરી નિહાળતા આ મુદ્દો શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પાટણ નગરપાલિકાના વિપક્ષના નેતાએ આ મામલે રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખી નિયમ મુજબ ટિકિટના નાણા ભરાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
એવામાં ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાણકી વાવ નિહાળવા ટિકિટ વગર 70 જણા સાથે પ્રવેશ કર્યો હતો. જેમાં એક પણ વ્યક્તિએ ઓનલાઇન ટિકિટ મેળવી ન હતી અને સરકારના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું હતું. આ મામલે પુરાતત્વ વિભાગના ડાયરેક્ટરને પણ ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું ભરત ભાટિયાએ જણાવ્યું હતું.
વધુમાં જો બે દિવસમાં નિયમ મુજબ નાણાંની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો શહેરીજનોને સાથે રાખી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના કર્મચારીઓ, વેપારીઓ, લારી ગલ્લાના ધારકો પાસેથી પૈસા ઉઘરાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પીએમ કેર ફંડમાં રાણીની વાવ પ્રવેશ ફીના નાણાં જમા કરાવવામાં આવશે તેવી ચીમકી પણ નગરપાલિકાના વિપક્ષના નેતાએ ઉચ્ચારી હતી.